Final Up to date:
દેશમાં ગેસ સહિત દૈનિક ઉપયોગની વસ્તુઓના ભાવમાં સતત વધારો થતા સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક ભાર વધતો જઈ રહ્યો છે. રાજકોટમાં ગૃહિણીઓએ વધતી મોંઘવારી અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે ગેસ, શાકભાજી અને દૂધના વધતા ભાવને કારણે ઘરનું બજેટ સંભાળવું મુશ્કેલ બની ગયું છે.
રાજકોટ: ગેસના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગેસ સાથે સાથે શાકભાજી, દૂધ અને અન્ય દૈનિક જરૂરિયાતની વસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે. જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે ઘર ચલાવવું વધુ મુશ્કેલ બની રહ્યું છે. ખાસ કરીને ગૃહિણીઓ માટે દર મહિને ઘરનું બજેટ સંભાળવું એક મોટો પડકાર બની ગયો છે. વધતી મોંઘવારીને કારણે ઘણા પરિવારોને ખર્ચમાં કાપ મૂકવો પડી રહ્યો છે. ગૃહિણીઓનું કહેવું છે કે જો આવશ્યક વસ્તુઓના ભાવ સતત વધતા રહે તો પરિવારનું જીવનસ્તર જાળવી રાખવું મુશ્કેલ બની જાય છે.
ગૃહિણી જ્યોતિબા જાડેજા જણાવે છે કે ગેસના ભાવ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે જેના કારણે ઘરનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ રહ્યું છે. તેઓ કહે છે કે ગેસની સાથે સાથે શાકભાજી અને દૂધના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. દૈનિક જીવનમાં ઉપયોગ થતી દરેક વસ્તુ મોંઘી બનતી જાય છે, જે સામાન્ય પરિવારો માટે ચિંતાજનક બાબત છે. તેમના મતે જો બજારમાં દરેક વસ્તુના ભાવ વધતા હોય તો લોકોના પગારમાં પણ વધારો થવો જોઈએ. નહીંતર સામાન્ય લોકો માટે વધતી મોંઘવારી વચ્ચે જીવન જીવવું વધુ મુશ્કેલ બનશે.
વિજયાબા જાડેજા પણ ગેસના વધતા ભાવ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહે છે કે આ ભાવવધારાનો સૌથી મોટો પ્રભાવ સામાન્ય અને મજૂરી કરતા લોકો પર પડે છે. રોજિંદી મજૂરી કરીને પરિવાર ચલાવતા લોકો માટે ઘરખર્ચ સંભાળવો હવે ખૂબ મુશ્કેલ બની રહ્યો છે. તેઓ કહે છે કે જે લોકો દિવસભર મહેનત કરીને રોજગાર મેળવે છે, તેમના માટે વધતા ખર્ચ વચ્ચે ઘર ચલાવવું ખૂબ જ કઠિન બની જાય છે. તેથી સરકાર દ્વારા ગેસના ભાવવધારા પર નિયંત્રણ લાવવું જરૂરી છે. તેમની માંગ છે કે સરકાર ગેસના ભાવમાં વધારો રોકે અને શક્ય હોય તો તેમાં ઘટાડો કરીને સામાન્ય લોકોને રાહત આપે.

પ્રીતિ રાઠોડ પણ કહે છે કે ગેસના વધતા ભાવનો સૌથી વધુ પ્રભાવ મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો પર પડે છે. ઘરનું બજેટ તૈયાર કરતી દરેક ગૃહિણી માટે આજકાલ ખર્ચ સંભાળવો મુશ્કેલ બની ગયો છે. તેઓ કહે છે કે ગેસના ભાવમાં સતત વધારો થવાને કારણે ઘરખર્ચનું સંતુલન જાળવવું મુશ્કેલ બની જાય છે. આવી પરિસ્થિતિમાં સરકાર તરફથી રાહત મળવી ખૂબ જરૂરી છે. તેમની માંગ છે કે ગેસના ભાવમાં વધારો નહીં પરંતુ ઘટાડો થવો જોઈએ જેથી સામાન્ય લોકો પર પડતો આર્થિક ભાર થોડો ઓછો થઈ શકે.
આ રીતે ગેસના વધતા ભાવને લઈને ગૃહિણીઓમાં ચિંતા જોવા મળી રહી છે. દૈનિક જીવનમાં ઉપયોગ થતી જરૂરી વસ્તુઓના ભાવ વધતા જતા હોવાથી સામાન્ય પરિવારો માટે જીવન ચલાવવું વધુ મુશ્કેલ બની રહ્યું છે. લોકોની આશા છે કે સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લઈને ગેસના ભાવમાં ઘટાડો કરે જેથી સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને થોડો આર્થિક રાહત મળી શકે.
