ઇતિહાસની દૃષ્ટિએ જોવામાં આવે તો વાલમ ગામ વર્ષો પહેલા નાગર બ્રાહ્મણોનું ગામ હતું. સમય જતાં અહીં અન્ય સમાજોના લોકોનો પણ વસવાટ શરૂ થયો. હાલ ગામમાં આશરે 2500 જેટલા પરિવારો રહે છે, જેમાં લગભગ 1000 પાટીદાર પરિવારો, 500 ઠાકોર પરિવારો તેમજ અન્ય સમાજોના પરિવારોનો સમાવેશ થાય છે. ગામમાં શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ પણ સારી રીતે ઉપલબ્ધ છે. અહીં ગ્રામ પંચાયત, હોસ્પિટલ, પ્રાથમિક શાળાઓ, બે હાઇસ્કૂલ અને બાલમંદિર જેવી શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે. ઉપરાંત સેવા સહકારી મંડળી, દૂધ મંડળી, ક્રેડિટ સોસાયટી અને લાઇબ્રેરી જેવી સંસ્થાઓ પણ ગામના સામાજિક અને આર્થિક વિકાસમાં યોગદાન આપી રહી છે.

