Final Up to date:
ગાંધીનગરમાં ડિજિટલ અરેસ્ટનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વૃદ્ધ મહિલા શિક્ષિકાને ડિજિટલ અરેસ્ટ કરીને તેની પાસેથી 99 લાખ પડાવી લેવામાં આવ્યા. જેને લઈને વૃદ્ધાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ગાંધીનગર: ડિજિટલ અરેસ્ટના કિસ્સામાં ઘટાડો થયાની ગુલબાંગ વાતો વચ્ચે દર અઠવાડિયે ડિજિટલ અરેસ્ટના એકાદ બે બનાવો પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. ગાંધીનગરની વૃદ્ધ નિવૃત્ત શિક્ષિકા ડિજિટલ અરેસ્ટનો શિકાર બની હોવાનું સામે આવ્યું છે. જેમાં ગઠિયાએ અલગ અલગ એજન્સીના અધિકારી તથા કોર્ટના બનાવટી લેટર મોકલીને વૃદ્ધાને 29 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખીને તેમની પાસેથી કુલ રૂ.99 લાખ પડાવી લીધા હતા. જેને લઈને વૃદ્ધાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મૂળ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના વડનગર ગામના વતની અને હાલ દીકરા સાથે ગાંધીનગરમાં રહેતી નિવૃત્ત વૃદ્ધ શિક્ષિકા સતત 29 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીઓએ ટેલિકોમ સંચાર વિભાગમાં વાત કરીએ છીએ તમારા નામે બીજો નંબર ખરીદવામાં આવ્યો છે અને તે નંબર પરથી કેટલાક લોકોને તમે ગાળો અને ધમકી આપી છે તમારા વિરુદ્ધમાં ફરિયાદ થઈ છે કહીને વૃદ્ધાને ડરાવી હતી.
બાદમાં આરોપીઓએ કહ્યું કે મની લોન્ડરિંગમાં એક આરોપી ઝડપ્યો છે અને તેણે તમારા એકાઉન્ટમાં 2 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. જેનું તમે 10 ટકા કમિશન એટલે રૂ.20 લાખ કમિશન પેટે લીધા છે. પરંતુ તમે સિનિયર સિટીઝન છો એટલે તમારી ધરપકડ કરવામાં આવતી નથી પરંતુ ડિજિટલ અરેસ્ટ કરવા પડશે કહીને વૃદ્ધાને બંધક બનાવ્યા હતા.
આટલું કર્યા બાદ આરોપીએ સીબીઆઈના IPS અધિકારી વાત કરશે તેવું કહીને વૃદ્ધાના તમામ બેન્ક એકાઉન્ટની વિગતો માંગી અને તેમાં રહેલી તમામ રકમની ચકાસણી કરવી પડશે ત્યારબાદ તમને તમારા એકાઉન્ટમાં રૂપિયા પાછા મળી જશે તેવું કહ્યું હતું. બાદમાં બનાવટી અધિકારી બનેલા શખ્સે વૃદ્ધાના ત્રણેય બેન્ક એકાઉન્ટમાં રહેલા તમામ રૂપિયા આરોપીએ પોતાના એકાઉન્ટમાં મેળવી લીધા હતા.
આરોપીઓએ વૃદ્ધાને ગત 16 જાન્યુઆરીથી લઈને 13 ફેબ્રુઆરી સુધી ડિજિટલ અરેસ્ટ રાખીને કુલ રૂ.99 લાખ પડાવી લીધા હતા. આ અંગે વૃદ્ધાને જ્યારે માલુમ પડ્યું કે તેની સાથે સાયબર ઠગાઈ થઈ છે એટલે વૃદ્ધાએ તાત્કાલિક સાયબર હેલ્પ લાઈનમાં ફોન કરીને આ અંગેની ફરિયાદ ગાંધીનગરના સાયબર યુનિટમાં નોંધાવી છે.
ડિજિટલ અરેસ્ટના આરોપીઓ ચોક્કસ એપ્લિકેશન થકી ફોન કરતા હોય છે. ગઠિયાઓ જ્યારે વૃદ્ધાને ફોન કરતા ત્યારે સિગ્નલ જેવી કેટલીક ચોક્કસ પ્રકારની એપ્લિકેશનનો ઉપયોગ કરીને ફોન કરતા હતા. અને વૃદ્ધાને આ તમામ બાબતો અંગેની કોઈને પણ જાણ નહીં કરવાની અને જો કોઈને પણ વાત કરશો તો પોલીસ તમારા ઘરે આવીને તમારી ધરપકડ કરી લેશે તેવી ધમકી પણ આપી હોવાથી વૃદ્ધાએ આ અંગે કોઈને પણ જાણ કરી નહોતી.
ઉલ્લેખનીય છે કે વૃદ્ધ મહિલા ક્યાં જાય છે, કોની સાથે શું વાત કરે છે, તેના માટે થઈને વૃદ્ધાને દર બે કલાકે આરોપીએ આપેલા વોટ્સએપ નંબર પર ફોન કરવાનો અને હું સેફ છું તે પ્રકારનો મેસેજ કરવાની ફરજ પાડી હતી. આ સાથે જ આરોપીઓએ એવું કહ્યું હતું કે, આ કેસ દિલ્હી સીબીઆઈમાં પહોંચી ગયો છે. જેથી કારણે ગમે ત્યારે કોઈપણ અજાણ્યા નંબર પરથી સાદો ફોન આવે કે પછી વોટ્સએપમાં વિડીયો કોલ આવે તો તુરંત ઉપાડી લેવાની ચીમકી પણ આપી હતી.
Gandhinagar,Gujarat

