Final Up to date:
ગાંધીનગર મનપા દ્વારા ગત વર્ષના બજેટની સરખામણીએ 10.77 ટકાનો વધારા સાથે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2026-27માં મનપા દ્વારા 1903.08 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જ્યારે ગતવર્ષે 1718.03 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર: મહાનગરપાલિકાના મ્યુનિસિપલનું આજે વર્ષ 2026-27 માટેનું રૂ. 1903.08 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. ગત વર્ષના રૂ. 1718.03 કરોડના બજેટની સરખામણીએ આ વર્ષે 10.77% ના વધારા સાથે શહેરના સર્વાંગી વિકાસ માટે મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. આ વર્ષે શહેરી વિકાસ વર્ષની થીમ હેઠળ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ગાંધીનગરના ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓ માટે કુલ ખર્ચના 62% જેટલી માતબર રકમ એટલે કે રૂ. 1186.71 કરોડ ફાળવીને ગાંધીનગરને આધુનિક શહેર બનાવવાનો મજબૂત નિર્ધાર કરવામાં આવ્યો છે.
ગાંધીનગર શહેરના નાગરિકોની સુખાકારીને ધ્યાને રાખીને આ બજેટમાં મિલકત વેરા કે વાહન વેરાના દરમાં કોઈ પણ પ્રકારનો વધારો સૂચવવામાં આવ્યો નથી. પ્રજાલક્ષી અભિગમ અપનાવતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા મિલકત વેરામાં વહેલી ભરપાઈ પર મળતી 10% રિબેટ યોજનાનો લાભ બે માસના બદલે વધારીને ત્રણ માસ સુધી આપવાની દરખાસ્ત મૂકી છે. આ સાથે જ પરિવહન સુવિધાને વધુ સુદ્રઢ બનાવવા અને પ્રદૂષણ ઘટાડવા માટે શહેરમાં 100 નવી પી.એમ. ઈ-બસનું લોકાર્પણ કરવામાં આવશે.
શહેરના માળખાકીય વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે સેક્ટર 22 અને 23 ખાતે અંડરપાસ અને રિલાયન્સ ચોકડી પંડિત દીનદયાળ સર્કલ ખાતે ફ્લાય ઓવરબ્રિજના બાંધકામનું આયોજન છે. શહેરના વિવિધ સેક્ટરોમાં 350 કિ.મી. લંબાઈના નવા રોડ-રસ્તા અને 26000 નવા ડ્રેનેજ કનેક્શનના કામોને પ્રાથમિકતા આપવામાં આવી છે. પર્યાવરણના જતન માટે 10 લાખથી વધુ વૃક્ષોના વાવેતરના લક્ષ્યાંક સાથે ભાઈજીપુરા થી અડાલજ સુધી 8 કિ.મી. લંબાઈનો ગ્રીન કોરિડોર વિકસાવવામાં આવશે.
શૂન્ય જળ ભરાવના લક્ષ્ય સાથે 19 તળાવોની કામગીરી બાદ નવા 24 તળાવોના વિકાસનું આયોજન પણ બજેટનો ભાગ છે. આ ઉપરાંત આરોગ્ય અને રમતગમત ક્ષેત્રે ગાંધીનગરને સજ્જ કરવા માટે નવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, પાંચ યોગા સ્ટુડિયો, બે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને એક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાની જોગવાઈ છે. ગાંધીનગર દક્ષિણ વિસ્તારના ગામોમાં 40 એમ.એલ.ડી. નર્મદાનું પાણી પહોંચાડવાની સાથે અમીયાપુર, પેથાપુર, કોબા, ભાટ અને પાલજ ખાતે નવા કોમ્યુનિટી હોલ તેમજ વાવોલ અને ખોરજમાં નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે.
સુરક્ષાના પાસાને મજબૂત કરતા રોડ સેફ્ટી માટે રૂ. 10 કરોડ અને ઊંચી ઇમારતો માટે ફાયર સેફ્ટીના સાધનો ખરીદવા રૂ. 8 કરોડની ફાળવણી કરાઈ છે. સાંસ્કૃતિક ગૌરવની જાળવણી માટે અંબાપુર વાવના વિસ્તારને હેરિટેજ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. આ ઉપરાંત હર ઘર સ્વદેશી અભિયાન હેઠળ સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવા વર્ષ દરમિયાન 5 સ્વદેશી બજારોનું આયોજન કરવાનું પણ નક્કી કરાયું છે. આમ, મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ થયેલું આ બજેટ ગાંધીનગરના તમામ વર્ગના નાગરિકો માટે સુવિધાઓમાં વધારો કરનારું અને શહેરના વિકાસને નવી ગતિ આપનારું સાબિત થશે તેવો આજે બજેટ રજૂ કરીને નિર્ધાર કરવામાં આવ્યો હતો. આમ ગાંધીનગર મહાનગર પાલિકાના ગત વર્ષની બજેટની તુલનાએ 10.77% વધારા સાથે વર્ષ 2026-27 માટે રૂ. 1903.08 કરોડનું બજેટ રજૂ કરાયું હતું.
Gandhinagar,Gujarat

