Final Up to date:
રાસાયણિક ખેતીનો વધતો ખર્ચ અને ઘટતું ઉત્પાદન જોઈ ભાવનગર જિલ્લાના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. જેસર તાલુકાના બીલા ગામના ખેડૂત રમેશભાઈ રાદડિયાએ જીવામૃત તૈયાર કરવા માટે અનોખો ઓટોમેટિક પ્લાન્ટ ઉભો કરી ખેડૂતો માટે પ્રેરણાદાયી ઉદાહરણ રજૂ કર્યું છે, જેનાથી આજે અનેક ખેડૂતોને સીધો લાભ મળી રહ્યો છે.
ભાવનગર: ભાવનગર જિલ્લાની સાથે સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. કારણ કે, રાસાયણિક ખેતીની તુલનામાં પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થાય છે અને ઉત્પાદન સારું મળે છે. અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી દ્વારા લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે. ખાસ કરીને, પ્રાકૃતિક ખેતીમાં જીવામૃતનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ જીવામૃત કેટલાક ખેડૂતો બેરલમાં અને કેટલાક અનએરોબિક ટ્યુબમાં તૈયાર કરે છે. બીલા ગામના એક ખેડૂતે જીવામૃત બનાવવા માટે અનોખો પ્લાન્ટ બનાવ્યો છે.
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બીલા ગામે રહેતા રમેશભાઈ રાદડિયા ઘણા વર્ષોથી ખેતી સાથે જોડાયેલા છે. તેઓ પ્રાકૃતિક ખેતી કરે છે. આ પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગમાં લેવાતા જીવામૃત બનાવવાનો હેતુસર, તેમણે ભાવનગર આત્મા સાથે મળીને ગૌ સત્વ નેચરલ FPO તૈયાર કર્યો છે. આ FPOનો ઉપયોગ કરીને, રમેશભાઈએ અત્યાર સુધી 4200 Lથી પણ વધુ જીવામૃત ખેડૂતોને મફતમાં વિતરણ કર્યું છે. હવે, ભવિષ્યમાં, રમેશભાઈ આ જીવામૃતનું વેચાણ પણ શરૂ કરશે, જેની કિંમત આશરે દસ રૂપિયા રાખવામાં આવશે.

રમેશભાઈ લવજીભાઈ રાદડિયાએ જણાવ્યું કે, “હું ઘણાં વર્ષોથી ખેતીના વ્યવસાયમાં છું, પરંતુ 2017 થી પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે. શરૂઆતમાં મેં 5 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરી હતી, અને તેમાં સારું પરિણામ મળતાં, હવે હું સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું. ભાવનગર આત્મા પ્રોજેક્ટમાંથી મને સહાય મળી છે, જેની મદદથી મેં જીવામૃત બનાવવા માટેનો એક પૂરો પ્લાન્ટ તૈયાર કર્યો છે. પ્રથમ 1000 લિટર ક્ષમતા ધરાવતા ટાંકામાં તમામ સામગ્રી ઉમેરવામાં આવે છે.”
પાણી, ગાયનું છાણ, ગૌમૂત્ર, માટી અને ચણાના લોટ જેવી તમામ આવશ્યક વસ્તુઓ ઉમેરવાથી જીવામૃત તૈયાર થાય છે. ત્યારબાદ આ મિશ્રણને ઓટોમેટિક રીતે વલોણું બનાવવાની ટાંકીમાં ફેરવવામાં આવે છે. આ જીવામૃત તૈયાર થયા પછી તેને વિવિધ પાક માટે ખેતીમાં ઉપયોગ કરવામાં આવે છે. 30 વીઘા કરતા વધુ પ્રાકૃતિક ખેતી હોવાના કારણે, પહેલા હું નાના બેરલમાં આ જીવામૃત બનાવતો હતો, જે મને વારંવાર તૈયાર કરવું પડતું. પરંતુ હવે આ પ્લાન્ટ લગાવવાથી, મને વારંવાર જીવામૃત બનાવવાની જરૂર પડતી નથી અને એક સાથે મોટા પ્રમાણમાં જીવામૃત તૈયાર કરી શકું છું.
મારી પાસેથી ઘણા ખેડૂતો જીવામૃત લઈ જાય છે. તેઓ મને આગલા દિવસે આ બાબતે જાણ કરે છે જેથી હું આ ઓટોમેટિક પ્લાન્ટમાં જીવામૃત તૈયાર કરી રાખું. અત્યાર સુધીમાં 4200 લીટર કરતાં વધુ જીવામૃત ખેડૂતોને નિ:શુલ્ક આપ્યું છે અને તેમને સારા પરિણામ મળ્યા છે. હવે આગામી સમયમાં હું આ જીવામૃત વેચવાનું શરૂ કરવા જઈ રહ્યો છું, જેમાં 1 લીટરનું મૂલ્ય આશરે 10 રૂપિયા રહેશે.
Bhavnagar,Gujarat
