Final Up to date:
દેવભૂમી દ્વારકાની ખંભાળિયા APMC માર્કેટમાં સરકારના ત્રણ વિભાગના સહયોગથી રૂ. 1 કરોડથી વધુના ખર્ચે સીંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ થયું છે. જેમાં ઉત્પન્ન થતા ‘નિર્મલ’ બ્રાન્ડના શુદ્ધ સીંગતેલને સારો પ્રતિસાદ મળ્યો છે.
દેવભૂમી દ્વારકા: એકબીજા સાથે હળીમળીને રહેવું, સાથે મળીને એકબીજાની મદદથી કામ કરવું તેને જ સહકારિતા કહેવાય છે. આજે ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં વર્ષ 2025ને ‘આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર વિવિધ સહકારી પ્રવૃત્તિઓને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે. જેના ભાગરૂપે રાજ્યના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના સહયોગથી દેવભૂમિ દ્વારકાની ખંભાળિયા APMC માર્કેટમાં રૂ. 1 કરોડથી વધુના ખર્ચે સીંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવામાં આવ્યું હતું. સહકારી પ્રવૃત્તિને પ્રાધાન્ય આપતા આ યુનિટ દ્વારા વેચાતા 100 ટકા શુદ્ધ ‘નિર્મલ’ બ્રાન્ડ સીંગતેલને પ્રજામાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે, તેમજ દિન-પ્રતિદિન વપરાશકારોની સંખ્યામાં વધારો થતાં ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
રાજ્યના ખેડૂતો તેમની ખેતપેદાશોના યોગ્ય ભાવે ખરીદ-વેચાણ કરી શકે તેવા હેતુસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની રચના કરવામાં આવી છે. તેવામાં ખાસ કરીને ખંભાળિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ(APMC)માં રાજ્ય સરકારના સહયોગથી સહકારી પ્રવૃત્તિને ધ્યાને લઈને જ નાગરિકોને શુદ્ધ સીંગતેલ મળી રહે તે માટે એક આગવી પહેલ કરી આ સીંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરાયું છે.
આ ઉપરાંત એકબીજાના સાથ સહકારની વાતને પ્રોત્સાહન મળે તે માટે પણ ઘણા પ્રયત્નો સરકારે કર્યા છે. ખાસ કરીને રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા જુદી જુદી યોજનાઓનો અમલમાં મૂકી છે. જે પૈકી ‘પ્રોસેસિંગ યુનિટ બનાવવા માટેની યોજના’ અંતર્ગત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પ્રોસેસિંગ યુનિટ બનાવવા માટે તેના કુલ ખર્ચના 50 ટકા રકમ રાજ્ય સરકારના કૃષિ, સહકાર અને ખેડૂત વિભાગ મારફતે આપવામાં આવે છે અને આના ઉપયોગથી જ ખંભાળિયા APMCમાં આ યુનિટ સ્થાપિત થઈ શક્યું છે.
આ પ્રોસેસિંગ યુનિટમાં બનતા તેલને ‘નિર્મલ’ સીંગતેલ નામ આપવામાં આવ્યું છે. જેને બનાવવા માટે દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારની પ્રખ્યાત જી-20 મગફળીને પિલાણ કરવામાં આવે છે. તેલ બનાવવાની પ્રોસેસિંગ માટે સૌપ્રથમ મગફળીને અત્યાધુનિક ગ્રેડર, ડી-સ્ટોનર તેમજ રાઉન્ડ ગ્રેડર મશીનમાં સાફ કરવામાં આવે છે. જેથી તેમાં રહેલા કાંકરા, માટી, ધૂળ, ખરાબ દાણા અને અન્ય અશુદ્ધિઓ સહિત મગફળીમાં રહેલા રાસાયણિક ખાતર અને હાનિકારક તત્વોના અંશો પણ દૂર થઈ જાય છે.

આ બાદ, 100 ટકા અશુદ્ધિઓ દૂર કરીને ચોખ્ખી મગફળીનું પિલાણ કરવામાં આવે છે. જેમાંથી મળતું સીંગતેલ લગભગ ઓર્ગેનિક કક્ષાનું અને આરોગ્ય માટે ઉત્તમ-શ્રેષ્ઠ મનાય છે. ઉપરાંત આ સીંગતેલમાં FFA અને PVનું પ્રમાણ કંટ્રોલમાં રહે તે માટે તેમાં કોઈપણ કેમિકલ્સ ઉમેર્યા વગર માત્ર કોલ્ડ પ્રોસેસ કર્યા બાદ વધુ એક વખત ફિલ્ટર કરવામાં આવે છે. જેથી તે સર્વોત્તમ ગુણવત્તાનું સીંગતેલ બની રહે છે. જેના કારણે જ દિન-પ્રતિદિન નિર્મલ સિંગતેલના વપરાશકારોની સંખ્યામાં તથા તેના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો જોવા થયો.
Dwarka,Jamnagar,Gujarat
July 05, 2025 1:00 PM IST

