Final Up to date:
Vande Mataram New Pointers: ગૃહ મંત્રાલયે ‘વંદે માતરમ્’ને લઈને નવો નિયમ જાહેર કર્યો છે. આ અંતર્ગત સરકારી કાર્યક્રમોમાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ ગાવું અથવા વગાડવું અનિવાર્ય રહેશે. જો કોઈ કાર્યક્રમમાં ‘વંદે માતરમ્’ અને રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ બંને રજૂ કરવામાં આવે છે, તો પહેલા ‘વંદે માતરમ્’ અને ત્યારબાદ ‘જન ગણ મન’ રજૂ કરવામાં આવશે. આ દરમિયાન ઉપસ્થિત લોકોએ સાવધાનની મુદ્રામાં ઊભા રહેવું પડશે.
ભારત સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ના સન્માન અને તેની રજૂઆતને લઈને એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. નવા પ્રોટોકોલ મુજબ, હવે સત્તાવાર પ્રસંગોએ ‘વંદે માતરમ્’નું છ અંતરાવાળું અને 3 મિનિટ 10 સેકન્ડનું સંપૂર્ણ સંસ્કરણ વગાડવું અને ગાવું અનિવાર્ય કરવામાં આવ્યું છે. અત્યાર સુધી માત્ર રાષ્ટ્રગાન માટે જ કડક નિયમો હતા, પરંતુ હવે રાષ્ટ્રીય ગીત માટે પણ સ્પષ્ટ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, મંત્રાલયનો આ 10 પાનાનો આદેશ 28 જાન્યુઆરીએ જારી કરવામાં આવ્યો છે, જે તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, મંત્રાલયો અને બંધારણીય સંસ્થાઓને મોકલવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર, રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે, રાષ્ટ્રપતિના આગમન અને પ્રસ્થાન સમયે, રાષ્ટ્રને સંબોધન કરતા પહેલા અને પછી, તેમજ રાજ્યપાલ કે ઉપરાજ્યપાલના સત્તાવાર કાર્યક્રમોમાં ‘વંદે માતરમ્’ વગાડવું કે ગાવું જરૂરી રહેશે. મહત્વની વાત એ છે કે, જો કોઈ કાર્યક્રમમાં રાષ્ટ્રગાન અને રાષ્ટ્રીય ગીત બંને રજૂ કરવાના હોય, તો પહેલા ‘વંદે માતરમ્’ ગવાશે અને, ત્યારબાદ ‘જન ગણ મન’ રજૂ કરવામાં આવશે. આ દરમિયાન ઉપસ્થિત લોકોએ સાવધાનની મુદ્રામાં ઊભા રહેવું પડશે.
મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, જ્યારે પણ ‘વંદે માતરમ્’નું સત્તાવાર સંસ્કરણ વગાડવામાં આવે, ત્યારે ત્યાં ઉપસ્થિત તમામ લોકોએ તેના સન્માનમાં ‘સાવધાન’ની મુદ્રામાં ઊભા રહેવું પડશે. જોકે, સામાન્ય જનતાને મુશ્કેલી ન પડે તે માટે એક છૂટછાટ પણ આપવામાં આવી છે. જો કોઈ ન્યૂઝ ફિલ્મ કે ડોક્યુમેન્ટ્રીમાં આ ગીત ફિલ્મનો ભાગ હોય, તો દર્શકોએ ઊભા થવાની જરૂર રહેશે નહીં, જેથી સિનેમાઘરોમાં અવ્યવસ્થા ન સર્જાય. ખરેખર તો અત્યાર સુધી ‘વંદે માતરમ્’ને લઈને કોઈ સ્પષ્ટ સત્તાવાર પ્રોટોકોલ નહોતો, જ્યારે રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ માટે સમય, ધૂન અને પ્રસ્તુતિના નિયમો પહેલેથી જ નક્કી છે. આ પ્રથમ વખત છે જ્યારે છ અંતરાવાળા વિસ્તૃત સંસ્કરણને સત્તાવાર કાર્યક્રમોમાં સામેલ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.
પહેલી શ્રેણી: તેવા પ્રસંગો છે જ્યાં રાષ્ટ્રીય ગીત માત્ર વગાડવામાં આવશે, જેમ કે નાગરિક અલંકરણ સમારોહ, રાષ્ટ્રપતિનું ઔપચારિક રાજકીય કાર્યક્રમોમાં આગમન-પ્રસ્થાન, આકાશવાણી અને દૂરદર્શન પર રાષ્ટ્રપતિના રાષ્ટ્ર જોગ સંબોધન પહેલા અને પછી, રાજ્યપાલ કે ઉપરાજ્યપાલનું ઔપચારિક કાર્યક્રમોમાં આગમન-પ્રસ્થાન, પરેડમાં રાષ્ટ્રીય ધ્વજ લાવતી વખતે વગેરે.
બીજી શ્રેણી: તેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે જ્યાં ગીત વગાડવાની સાથે સામૂહિક ગાન પણ થશે. જેમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાના પ્રસંગો, સાંસ્કૃતિક અને ઔપચારિક સમારોહ (પરેડ સિવાય), તથા રાષ્ટ્રપતિનું કોઈપણ સરકારી કે જાહેર કાર્યક્રમમાં આગમન અને પ્રસ્થાન સામેલ છે. આ માટે કોયર, સાઉન્ડ સિસ્ટમ અને જરૂર પડે તો ગીતના શબ્દો વહેંચવાની પણ સલાહ આપવામાં આવી છે.
ત્રીજી શ્રેણી: તેવા પ્રસંગો છે જ્યાં ‘વંદે માતરમ્’ ગાઈ શકાય છે, જેમ કે શાળાઓના કાર્યક્રમો. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, શાળાઓમાં દિવસની શરૂઆત સામૂહિક રીતે રાષ્ટ્રીય ગીત ગાઈને કરી શકાય છે અને વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય પ્રતીકો પ્રત્યે આદર વધારવાના પ્રયાસો કરવામાં આવે.
આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે કેન્દ્ર સરકાર ‘વંદે માતરમ્’ને લોકપ્રિય બનાવવા પર ભાર આપી રહી છે. હાલમાં સંસદમાં રાષ્ટ્રીય ગીતની 150મી જયંતિ પર લાંબી ચર્ચા થઈ હતી અને, આ વર્ષે ગણતંત્ર દિવસ પરેડનો વિષય પણ ‘સ્વતંત્રતાનો મંત્ર વંદે માતરમ્’ રાખવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, બંગાળી સાહિત્યકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા 1870ના દાયકામાં રચાયેલા આ ગીતના પહેલા બે અંતરાને 1950માં ભારતનું રાષ્ટ્રીય ગીત જાહેર કરવામાં આવ્યું હતું. નવા આદેશ સાથે હવે તેની પ્રસ્તુતિને લઈને એક સ્પષ્ટ વ્યવસ્થા નક્કી થઈ ગઈ છે.
Feb 11, 2026 10:11 AM IST

