Final Up to date:
કેનેડાના ટોરન્ટોમાં આવેલ અમેરિકી દૂતાવાસ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં ફાયરિંગની ઘટનાને અંજામ આપીને હુમલાખોર ફરાર થઈ ગયો છે. જેથી આ સમગ્ર મામલો હાલ વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
નવી દિલ્હી: એક તરફ ઈરાન અને અમેરિકા વચ્ચે પરિસ્થિતિ વણસેલી છે તો બીજી તરફ આજે મંગળવારે સવારે કેનેડાના ટોરન્ટોમાં અમેરિકી દૂતાવાસ પર ધડાધડ ગોળીઓ ચાલી છે. જેના કારણે આ મુદ્દો વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. દૂતાવાસની બહાર કાચ અને દરવાજાઓ પર ગોળીઓના નિશાન સ્પષ્ટ દેખાય છે. આ ઘટનાને લઈને સુરક્ષા એજન્સીઓની પણ ઊંઘ હરામ થઈ ગઈ છે. અમેરિકાના ટેક્સાસમાં પણ આવો જ એક હુમલો થયો હતો. એવું માનવામાં આવી રહ્યું છે અમેરિકા દ્વારા ઈરાન પર જે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે તેને લઈને દૂતાવાસ અને સામાન્ય જગ્યાઓને નિશાન બનાવવામાં આવી રહી છે.
મંગળવારે સવારે 5:30 વાગ્યે અમેરિકી દૂતાવાસ પર ગોળીઓ ચાલી છે. પોલીસ સ્થળ પર પહોંચી તો હુમલાખોર ભાગી ગયો હતો. જોકે, ત્યારે ગોળીઓ ચાલવાના પાક્કા પુરાવાઓ મળ્યા છે. ઘણી ન્યૂઝ ચેનલમાં ચલાવવામાં આવેલ ફૂટેજ પર દૂતાવાસની બહાર મુખ્ય ગેટ અને કાચ પર ગોળીઓના નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આ દૂતાવાસ ટોરન્ટોના એક એવા વિસ્તારમાં છે જ્યાં છેલ્લા કેટલાક સમયથી સતત પ્રદર્શનો થઈ રહ્યા છે.
ટોરન્ટોમાં ઘટેલી આ ઘટનાથી થોડા દિવસ પહેલા અમેરિકાના ટેક્સાસમાં પણ એક ભયાનક ઘટના બની હતી. ત્યાં એક હુમલાખોરે ભીડભાડવાળા બારમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કરી હતી. આ હુમલામાં 2 લોકોનું મોત થયું અને 14 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હુમલાખોરનું નામ નદિઆગા ડિયાગને હતું, જે મૂળ સેનેગલનો રહેવાસી હતો અને હવે અમેરિકાનો નાગરિક બની ગયો હતો. પોલીસે તેને ઘટનાસ્થળે જ ઠાર માર્યો હતો. હુમલાખોરની કારમાંથી એક કુરાન મળી છે અને હુમલાના સમયે તેણે પહેરેલી શર્ટ પર ‘Property of Allah’ લખેલું હતું.
ઉલ્લેખનીય છે કે, FBI હવે આ બંને ઘટનાઓની તપાસ આતંકી હુમલા તરીકે કરી રહી છે. અધિકારીઓને શંકા છે કે આ હુમલાઓ ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવનું પરિણામ છે. માનવામાં આવે છે કે હુમલાખોર ઈરાન પર અમેરિકા દ્વારા કરવામાં આવેલી બોમ્બમારાથી નારાજ હતો અને તેનો બદલો લેવા માટે તેણે સામાન્ય લોકોને નિશાન બનાવ્યા હતા. દૂતાવાસો પર વધી રહેલા હુમલાને ધ્યાનમાં રાખીને હવે દુનિયાભરમાં અમેરિકાના ઠેકાણાઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
New Delhi,Delhi

