મહાશિવરાત્રી પર મૃગીકુંડમાં સ્નાન કરીને વિવાદમાં આવેલી કુખ્યાત કીર્તિ પટેલ આખરે પોલીસની પકડમાં આવી ગઈ છે. હંમેશા વિવાદોના વંટોળમાં રહેતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર કીર્તિ પટેલની આખરે જૂનાગઢ પોલીસે ધરપકડ કરી છે. રાજસ્થાનના ઉદયપુરથી કીર્તિ પટેલને દબોચી જૂનાગઢ લાવવામાં આવી. પવિત્ર મૃગી કુંડમાં સ્નાન કરી ધાર્મિક લાગણી દુભાવવા સહિતના 3 અલગ-અલગ ગુનાઓ હેઠળ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ ગ્રામ્યના DySP રવિરાજસિંહ પરમાર મુજબ પોલીસ કીર્તિને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડની માંગણી કરશે. જ્યારે કીર્તિ પટેલને કસ્ટડીમાં લાવવામાં આવી ત્યારે તેનું મોં કપડાથી ઢાંકેલું જોવા મળ્યું હતું. આ અંગે પોલીસે સ્પષ્ટતા કરી છે કે કીર્તિને જીવનું જોખમ હોવાથી સુરક્ષાના કારણોસર તેનું મોં ઢાંકીને રાખવામાં આવ્યું હતું. પોલીસ હવે કીર્તિને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરશે. શુક્રવારે કીર્તિ પટેલના ત્રાસથી એક મુસ્લિમ યુવકે ફિનાઈલ ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. યુવકે એ સમયનો લાઈવ વીડિયો પણ સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં યુવકે આરોપ લગાવ્યો હતો કે કીર્તિ પટેલ, દિવ્યા સાવલાણી સહિતના 5 શખ્સોએ 20 લાખ રૂપિયાની ખંડણી માગી હતી. દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપ્યાનો પણ આરોપ લગાવ્યો હતો. જૂનાગઢના યુવકે જેતપુરમાં ફિનાઈલ ગટગટાવતાં ખળભળાટ મચી ગયો હતો. જેતપુરમાં ઉદ્યોગનગર પોલીસે કીર્તિ અને દિવ્યા સહિત 5 સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી. યુવકે કીર્તિ અને દિવ્યા સાથેના વીડિયો કોલના રેકોર્ડિંગ પણ જાહેર કર્યાં હતા. સાથે જ સોશ્યલ મીડિયાના મેસેજ પણ વાયરલ કર્યા હતા. આ વિવાદ કીર્તિએ મૃગિકુંડમાં બનાવેલા વીડિયો બાદથી શરુ થયો હતો. મહાશિવરાત્રીએ મૃગીકુંડમાં કીર્તિએ સ્નાન કરતાં થયેલા વિવાદ બાદ આ યુવકે એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે કીર્તિ પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને ઈન્દ્રભારતી બાપુનો બચાવ કર્યો. વીડિયોમાં યુવકે કીર્તિને ચેલેન્જ પણ ફેંકી હતી. હાલ પોલીસે કીર્તિની 3 અલગ-અલગ ગુનાઓ હેઠળ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Source link
