Final Up to date:
ઉત્તરાયણના પર્વ નિમિત્તે હર્ષોલ્લાસની સાથે સાથે પતંગની ઘાતક દોરીથી સર્જાયેલી આફતોમાં તંત્ર અને સેવાકીય સંસ્થાઓની સતર્કતા જોવા મળી છે.
અમદાવાદ: ઉત્તરાયણના પર્વ નિમિત્તે હર્ષોલ્લાસની સાથે સાથે પતંગની ઘાતક દોરીથી સર્જાયેલી આફતોમાં તંત્ર અને સેવાકીય સંસ્થાઓની સતર્કતા જોવા મળી છે. આ પર્વ દરમિયાન બનેલી ત્રણ મુખ્ય ઘટનાઓ અને કામગીરી પર કરીએ એક નજર…
અમદાવાદના નિકોલ વિસ્તારમાં માનવતા મહેકાવતી એક ઘટના સામે આવી છે. નિકોલ દાસ ખમણ પાસે આકાશમાં ઊડી રહેલી એક સમડી પતંગની કાતિલ દોરીમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી અને હવામાં લટકી રહી હતી. આ અંગે જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઊંચાઈ પર ફસાયેલી સમડીને સુરક્ષિત રીતે નીચે લાવવા માટે ફાયર વિભાગે સ્પેશિયલ ક્રેનની મદદ લીધી હતી. ક્રેન દ્વારા પક્ષી સુધી પહોંચીને ફાયરના જવાનોએ તેને દોરીમાંથી મુક્ત કરી નવજીવન આપ્યું હતું. ફાયર વિભાગની આ સમયસૂચકતા અને જીવદયાની કામગીરીની સ્થાનિકોએ ભારે પ્રશંસા કરી હતી.
ઉત્તરાયણ દરમિયાન રસ્તા પર પડેલી પતંગની દોરી વાહનચાલકો અને પક્ષીઓ માટે યમદૂત સમાન સાબિત થતી હોય છે. આ જોખમને ટાળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પ્રશંસનીય કવાયત હાથ ધરવામાં આવી હતી. AMCની ટીમોએ શહેરના મુખ્ય માર્ગો અને ફ્લાયઓવર પરથી પતંગની કાપાયેલી દોરીઓ એકત્રિત કરવાનું અભિયાન ચલાવ્યું હતું. અત્યાર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી અંદાજે 10 કિલો જેટલી ઘાતક દોરીનો જથ્થો એકત્ર કરી તેનો સુરક્ષિત નિકાલ કરવામાં આવ્યો છે. તંત્રની આ કામગીરીને કારણે ગળામાં દોરી ફસાવવાના અને અકસ્માતના અનેક બનાવો બનતા અટક્યા છે.
તહેવારના દિવસે જ્યારે લોકો ઉજવણીમાં મશગૂલ હતા, ત્યારે આરોગ્ય તંત્ર ખડેપગે જોવા મળ્યું હતું. અમદાવાદમાં 108 ઇમરજન્સી સેવાના કોલ્સમાં નોંધપાત્ર વધારો થયો હતો, જેમાં પતંગની દોરીથી ઇજા થવી, ધાબા પરથી પડી જવું અને માર્ગ અકસ્માતના કેસો મુખ્ય હતા. સોલા સિવિલ હોસ્પિટલની ઇમરજન્સી ઓપીડીમાં પણ 10% જેટલો ધસારો વધ્યો હતો. માત્ર 14 જાન્યુઆરીના દિવસે જ દોરી અને અકસ્માતથી ઇજાગ્રસ્ત થયેલા 15 જેટલા દર્દીઓને સારવાર માટે સોલા સિવિલ લાવવામાં આવ્યા હતા. તહેવારના દિવસે પણ ડોક્ટરો અને મેડિકલ સ્ટાફે હાજર રહીને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
Ahmedabad,Gujarat

