Final Up to date:
યુએસએ, કેનેડા, બ્રાઝિલ, પોલેન્ડ, કુવૈત, કતાર, કઝાકિસ્તાન, કોલંબિયા, કોરિયા, સ્પેન, ઈરાન, બેલ્જિયમ, એસ્ટોનિયા, સ્વિટ્ઝર્લૅન્ડથી આ કોન્ફરન્સમાં ભાગ લેવા ડોકટર્સ આવ્યા છે.
અમદાવાદ: ડોક્ટર બનવા માટે વિદેશ અભ્યાસ કરવા જાય છે, પરંતુ સમય બદલાયો અને હવે વિદેશથી ડોક્ટરો ડોલર ખર્ચીને અભ્યાસ કરવા માટે અમદાવાદ આવ્યા છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક સર્જરીનો અભ્યાસ કરવા 14થી વધુ દેશમાંથી ડોક્ટરો આવ્યા છે. આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિદેશથી આવેલા ડૉક્ટરોનું સ્વાગત કરવામાં આવ્યું. 7 દિવસ સુધી સર્જરીનું શિક્ષણ મેળવશે. જેમાં બે દિવસ વર્કશોપ અને 5 દિવસ જટિલ સર્જરી થશે.
યુએસએ, કેનેડા, બ્રાઝિલ, પોલેન્ડ, કુવૈત, કતાર, કઝાકિસ્તાન, કોલંબિયા, કોરિયા, સ્પેન, ઈરાન, બેલ્જિયમ, એસ્ટોનિયા, સ્વિટ્ઝર્લૅન્ડ આ કોન્ફરન્સમાં ભાગ લેવા ડોકટરો આવ્યા છે. જ્યારે 15 રાજ્યમાંથી દર્દીઓ આવ્યા છે. બ્લેડર એક્સ્ટ્રોફી પીડિત બાળકો સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે, જેની જટિલ સર્જરી કરવામાં આવશે. વિદેશથી આવેલા ડોક્ટરો સર્જરીનો અભ્યાસ કરશે. બ્લેડર એક્સ્ટ્રોફી સર્જરી જે ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક સર્જરી કરી બાળકોને પીડા મુક્ત કરવામાં આવે છે.
અસારવા સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે 18 કોન્ફરન્સ યોજાય છે. અમેરિકાની યુનિવર્સિટી સાથે મળીને કેમ્પ કરવામાં આવે છે. જન્મજાત બ્લેડર એક્સ્ટ્રોફી પીડિત હોય તેની સર્જરી કરવામાં આવે છે જે બહાર 10થી 12 લાખનો ખર્ચ થાય છે. જ્યારે સિવિલમાં નિઃશુલ્ક સર્જરી કરવામાં આવે છે. એક સર્જરી 8થી 9 કલાક ચાલે છે. જુના દર્દીઓ છે તેને સર્જરી બાદ શું સ્થિતિ છે તેનો અભ્યાસ કરીશું અને નવા દર્દીઓનું ઓપરેશન માટે પ્લાનિંગ કરીશું.
ન્યુયોર્ક સિટીથી આવેલા ચીફ પીડિયાટ્રિક યુરોલોજી ડોક્ટર અસીમ શુક્લએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે જટિલ સર્જરી હોય છે. 14 દેશથી ડોક્ટર આવ્યા છે જે અહીં અભ્યાસ કરશે અને તેમના દેશમાં સર્જરીમાં સુધારો કરશે.
Ahmedabad,Gujarat
Jan 17, 2026 12:19 PM IST

