Final Up to date:
અમદાવાદમાં ગઈકાલે નારોલની બાગે કૌસર સોસાયટીમાં જમાઈ દ્વારા સસરાની હત્યા બાદ એક અઠવાડિયામાં ચાર હત્યાના બનાવ સામે આવતા પોલીસ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે.
અમદાવાદ: શહેરમાં આ અઠવાડિયામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. હાલમાં શહેરના નારોલ વિસ્તારમાં જમાઈ દ્વારા સસરાની હત્યા કરાઈ હોવાની માહિતી સામે આવી છે. ત્યારે આ હત્યાના બનાવ સાથે જ આ અઠવાડિયામાં કુલ ચાર-ચાર હત્યાના બનાવ સામે આવતા અમદાવાદીઓ ફફડી ઉઠ્યા છે, ત્યારે પોલીસ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે.
વિગતે વાત કરીએ તો, ગઈકાલે સાંજના સમયે અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલ બાગે કૌસર સોસાયટીમાં એક યુવકે પોતાના સસરાને જ મોતને ઘાટ ઉતારી દીધો છે. આ હચમચાવતી ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે, ત્યારે પ્રાથમિક તપાસમાં આ જમાઈ દ્વારા સસરાની આ હત્યાનો બનાવ પારિવારિક બાબતોમાં થયેલા સામાન્ય ઝઘડા બાદ બન્યો હોવાની આશંકા સેવાઈ રહી છે.
નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં એક અઠવાડિયામાં અગાઉ ત્રણ-ત્રણ હત્યાની ઘટના સામે આવી હતી. અગાઉ શહેરના મણિનગર વિસ્તારમાં કાંકરિયા લેકના ગેટ નંબર 7 પાસે ગત 11મી ફેબ્રુઆરીને બુધવારે રાતે ફલકનાઝ પઠાણ નામની યુવતીની તેના મંગેતર મહોમ્મદ આવેશ પઠાણે જ કોટાસ્ટોનના પથ્થરની ધારદાર અણીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
જ્યારે આ પહેલા વટવા વિસ્તારમાં આવેલા ચાર માળિયામાં એક યુવકની તીક્ષ્ણ હથિયાર વડે મોડી રાતે કરપીણ હત્યા કરવામાં આવી હતી. ચાર માળિયામાં ગત બુધવારે કેટરર્સનું કામ કરતા 32 વર્ષીય મોહંમદ શકીલની હત્યા કરાઈ હતી. જે મામલે પોલીસે એક આરોપીની અટકાયત કરી હતી.
તો આ તરફ, 12મી ફેબ્રુઆરીએ મંગળવારે બોપલ વિસ્તારમાં આવેલા વકીલ સાહેબ બ્રિજ નીચે પણ બે-ત્રણ શખ્સોએ રૂપિયાની ઉઘરાણીને લઈને માથાકૂટ થતા છરીથી હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો છે, જે મામલે સરખેજ પોલીસે હત્યાનો ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે.
આમ એક અઠવાડિયામાં ચાર-ચાર હત્યાના બનાવ સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. વારંવાર સામે આવતી આવી ઘટનાઓ બાદ અમદાવાદ પોલીસની કામગીરી અને સુરક્ષાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે અને ગુનેગારો પોલીસને ખુલ્લો પડકાર આપતા હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે આ ઘટનાઓને પોલીસે કેટલી ગંભીરતાથી લે છે એ જોવું રહ્યું.
Ahmedabad,Gujarat
Feb 15, 2026 10:19 AM IST

