Final Up to date:
અમદાવાદના નરોડા વિસ્તારમાં 37 વર્ષીય પરિણીતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરી તેમને બિભત્સ ફેસબુક ગ્રુપમાં એડ કરી માનસિક રીતે હેરાન કરવામાં આવતા પોલીસે બિલ્ડર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં કરોડોના બંગલામાં રહેતા અને એશો આરામ સાથે વૈભવી જિંદગી જીવતા એક નામી બિલ્ડર તેની પાડોશમાં જ રહેતી અને કુટુંબમાં સબંધી થતી પરિણીત મહિલાને કનડગત કરતો હોવાનો ચોંકાવનારો કિસ્સો હાલ સામે આવ્યો છે. આ બિલ્ડરે ફરિયાદી પરિણીતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરી તેમને બિભત્સ ફેસબુક ગ્રુપમાં એડ કરી તમામ હદો વટાવતા ભોગ બનનાર પીડિતા અંતે પોલીસ સ્ટેશને પહોંચી છે અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
વિગતે વાત કરીએ તો, અમદાવાદની એક પરિણીતા મહિલાએ હાલ નરોડા પોલીસ સ્ટેશને પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણીએ રજૂઆત કરી છે કે, ગત 6 ફેબ્રુઆરી 2026ના રોજ તે પોતે પોતાના ઘરે હાજર હતી, ત્યારે તેમને એક અજાણ્યા ઈ-મેઈલ આઈડી પરથી સંદેશો મળ્યો હતો. સંદેશામાં સામેવાળા વ્યક્તિએ તબિયત અંગે પૂછપરછ કરી અને પગમાં ફ્રેક્ચર થયું હોવાની વિગતો આપી હતી.
આશ્ચર્યની વાત એ હતી કે, ફરિયાદી મહિલાના પગમાં ફ્રેક્ચર હોવાની જાણ બહાર કોઈને નહોતી. જેને પગલે ફરિયાદી મહિલાએ અગાઉ પણ આ જ રીતે તેને હેરાન કરતા પાડોશી અને કુટુંબમાં સબંધી થતા એક નામી બિલ્ડર વિકેન પ્રજાપતિ પર શંકા વ્યક્ત કરી. બાદમાં પોતાના ગૂગલ એકાઉન્ટની પર્સનલ માહિતી અને સેટિંગ્સ તપાસ્યા હતા. ત્યારે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, તેમના એકાઉન્ટમાં બે મોબાઈલ નંબર તેમના અને તેમના પતિના હતા, જ્યારે એક વધારાનો નંબર અજાણ્યા વ્યક્તિનો હતો.
વધુ તપાસ કરતા આ નંબર તે જ શંકાશીલ વ્યક્તિ વિકેન પ્રજાપતિનો નીકળ્યો છે અગાઉ પણ તેને આ જ રીતે હેરાન કરતો હતો. આ ઉપરાંત જ્યારે ફરિયાદી મહિલાએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના સેટિંગ્સ તપાસ્યા ત્યારે ખુલ્યું કે, તેમનું એકાઉન્ટ અન્ય ડિવાઇસમાં પણ લોગ-ઇન હતું. બાદમાં જાણવા મળ્યું કે, આ આરોપી વિકેન પ્રજાપતિએ ગૂગલ આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી ફેસબુકમાં લોગ-ઇન કર્યું હતું. ત્યાર બાદ તેણે ફરિયાદીને ‘Mother Breastfeeding Group’ અને ‘Swathi Naidu’ જેવા બિભત્સ ફેસબુક ગ્રુપમાં એડ કરી દીધા હતા. જેથી પરિણીત મહિલાએ માનસિક ત્રાસથી કંટાળી આખરે પોલીસ ફરિયાદ નોંધાવા પહોંચી હતી.
બાદમાં આ મામલે પોલીસ તપાસમાં એવી પણ વિગતો સામે આવી છે કે આરોપી વિકેન પ્રજાપતિ પૂર્વ વિસ્તારમાં બિલ્ડર છે. તેની પાસે અબજો રૂપિયાની જમીન છે, તે 22 ગામનો ખેડૂત છે અને હાલ 12 કરોડ રૂપિયાના બંગલામાં રહે છે. ઉપરાંત, તેની પાસે BMW અને મર્સિડિઝ જેવી લાખોની ગાડીઓ છે. તેમ છતાં, પોલીસનું કહેવું છે કે આરોપી છેલ્લા કેટલાક સમયથી સાઇકિક થઈ ગયો છે અને આ રીતે વિવિધ લોકોના બોગસ આઈડી બનાવી મેસેજ કરીને હેરાનગતિ કરતો હતો.
આરોપી વિકેન પ્રજાપતિ અગાઉ પણ આ પરિણીતા મહિલાને મેસેજ મોકલી હેરાન કરતો હતો. આ બાબતે તેણીએ નવેમ્બર 2024માં પોલીસ અરજી કરવામાં આવી હતી, પરંતુ કુટુંબી હોવાના કારણે સમાજમાં સમાધાન કરવામાં આવ્યું હતું. જોકે, આરોપીએ ફરીથી આવી હરકત કરતા આખરે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ત્યારે નરોડા પોલીસે આ કેસમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટની કલમ 66-સી અને 67 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચોંકાવનારી વાત એ છે કે, પોલીસ ફરિયાદ બાદ પણ આરોપીની હાલ સુધી ધરપકડ થઈ નથી, ત્યારે આ મામલે સ્થાનિક લોકોમાં અલગ અલગ ચર્ચાઓ શરૂ થઈ છે. હાલ પોલીસ આ સમગ્ર નેટવર્ક અને અન્ય સંભવિત ભોગ બનનારાઓ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ત્યારે આરોપી ક્યારે સકંજામાં આવે છે તે હવે જોવું રહ્યું!
Ahmedabad,Gujarat

