Final Up to date:
બે મહિલા, ત્રણ પુરુષની ગેંગે એક વૃદ્ધને પોતાની વાતોની જાળમાં ફસાવી અને માર માર્યો હતો. જે બાદ તેને લૂંટીને ગેંગ ફરાર થઈ ગઈ હતી.
દેવભૂમિ દ્વારકા: યાત્રાધામ દ્વારકામાં લૂંટારૂ ગેંગ સક્રિય થઈ હતી. જેમાં બે મહિલા, ત્રણ પુરુષની ગેંગે એક વૃદ્ધને પોતાની વાતોની જાળમાં ફસાવી અને માર માર્યો હતો. જે બાદ તેને લૂંટીને ગેંગ ફરાર થઈ ગઈ હતી. પોલીસે આ અંગેનો ગુનો નોંધ્યો હતો. પોલીસની તપાસમાં આ ગેંગનાં તમામ પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
દેવભૂમિ દ્વારકા એક આસ્થાનું પવિત્ર સ્થળ, જે ભૂમિને ભગવાન દ્વારકાધીશએ પોતાની કર્મ ભૂમિ બનાવી આ ભૂમિ પર આજકાલ ચોરો અને ધુતારાઓએ ઘેરી લીધી હોય એવી ઘટનાઓ ઘટવા પામી છે. ગઈકાલે વધુ એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં નાગેશ્વર રોડ પર આવેલા અંબુજા નગર, વ્રજ લગ્ઝરીયા એપાર્ટમેન્ટ, ફ્લેટ નં. 101માં રહેતા 61 વર્ષીય જગદીશભાઈ મનસુખભાઈ દવે ગઈકાલે પોતાના ઘરેથી નીકળી દરિયા કિનારે આવેલા ભડકેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા ગયા હતા. ભગવાનના દર્શન કરી પોણા બારેક વાગ્યે પોતાની મોટર સાયકલ લઈ પરત ઘરે જવા નીકળ્યા હતા. ત્યાં બે અજાણી સ્ત્રીઓએ વૃદ્ધ પાસે આવી કહ્યું કે, ”પોતે દ્વારકામાં કાંઈ જોયું નથી અને પટેલ સમાજ પાસે મૂકી જશો?” દ્વારકામાં અજાણી યુવતીઓ હેરાન ન થાય એ હેતુથી મદદ કરવા માટે વૃદ્ધે પોતાના મોટર સાયકલ પર બેસાડી બંને યુવતીઓને પટેલ સમાજ મૂકવા નીકળ્યા હતા.
પટેલ સમાજે પહોંચ્યા બાદ બંને યુવતીઓએ વૃદ્ધને પટેલ સમાજ સામેના ગાર્ડનમાં સાથે બેસી વાતચીતમાં ઉલજાવ્યા હતા. દરમિયાન ત્રણેય વાતો કરતા હતા ત્યારે એકાએક અન્ય ત્રણ અજાણ્યા પુરુષો ત્યાં આવી પહોંચ્યા હતા. જ્યાં પાંચેય જણાએ ભેગા થઈ વૃદ્ધને મન ફાવે તેમ ઢીકા પટુનો માર મારી, મોબાઈલ ઝૂંટવી લીધો હતો. ફોનનો પાસવર્ડ જાણી આરોપીઓએ વૃદ્ધના મોબાઈલ ફોનમાંથી દ્વારકામાં આવેલા બારાઈ પેટ્રોલ પંપના ક્યુ.આર.કોડ સ્કેન કરી તેમાં રૂ. 39000 ટ્રાન્સફર કરી ત્યાંથી રોકડા ઉપાડી લઈ લૂંટ ચલાવી હતી. તેમજ આ પાંચેય સખ્સોએ દ્વારકા શહેર ખાતે અગાઉ બે દિવસ પૂર્વે અનિલકુમાર મગનલાલ નામના આસામીને પણ જાળમાં ફસાવી રૂપિયા 4000ની રોકડ રકમની લૂંટ ચલાવી હોવાની ઘટના પણ સામે આવી છે.
આ બનાવ અંગે જગદીશભાઈએ પાંચેય લૂંટારુ ટોળકી સામે દ્વારકા પોલીસ દફતરમાં બી.એન.એસ. 2023ની કલમ 115(2), 310(2), 352, 61(2) મુજબ પાંચેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તમામે પૂર્વ આયોજિત કાવતરું રચી, જાળમાં ફસાવી લૂંટ ચલાવી હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે લૂંટારુ ટોળકીને ગણતરીની કલાકોમાં પકડી તપાસ શરૂ કરી છે, પોલીસ પાંચેય આરોપીઓ આરોપી રાહુલ જાલુભા, ઉર્ફ સોનલ, રાહુલ જાલુભા, રમેશ કાનજી, સંધ્યા સુનીતા, રમેશ સંધાર, સુમિત જીતેન્દ્ર ચિંતામણી સહિતના આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Dwarka,Jamnagar,Gujarat
November 21, 2024 10:02 AM IST