Final Up to date:
ઇઝરાયેલમાં યુદ્ધની અસર ભારતીયો અને ગુજરાતીઓ પર પડી છે. પોરબંદરના ભૂપત મોઢવાડિયા તેમના કઝીન સાથે સંપર્કમાં છે. ઇઝરાયેલની એડવાન્સ વોર્નિંગ સિસ્ટમ અને બંકરની સુવિધાથી તેમના પરિવારજનો સુરક્ષિત છે.
પોરબંદર: ઇઝરાયેલમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર ત્યાં વસતા ભારતીયો અને ગુજરાતીઓ પર જોવા મળી રહી છે. રોજગારી માટે ઇઝરાયેલ ગયેલા લોકોના પરિવારજનો અહીં વતનમાં ચિંતાતુર છે. જોકે, ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિ અંગે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. પોતાના કઝીન ભાઈ-બહેન ઇઝરાયેલમાં હોવાથી સતત તેમના સંપર્કમાં રહેતા હાલમાં પોરબંદરમાં સ્થિત ભૂપત મોઢવાડિયા નામના યુવાને ત્યાંની ગ્રાઉન્ડ ઝીરોની સ્થિતિ વર્ણવી છે.
ભૂપત મોઢવાડિયાએ જણાવ્યું કે, મારા ઘણા બધા કઝીન ભાઈ-બહેન અને સગા સંબંધીઓ ત્યાં(ઈઝરાયેલ) કામ અર્થે સ્થાયી થયા છે અને છેલ્લા બે દિવસથી તણાવભર્યા માહોલ વચ્ચે હું વીડિયો કોલના માધ્યમથી સતત તેમના કનેક્ટેડ છું. દર ત્રણ-ચાર કલાકે વાતચીત કરું છું. ત્યારે ગઈકાલની ત્યાંની પરિસ્થિતિ થોડી ક્રિટિકલ હોવાનું જાણવા મળ્યું હતું.
તેમના જણાવ્યા અનુસાર, ગઈકાલે સ્થિતિ થોડી ગંભીર હતી, ઘણી બધી જગ્યાએ મિસાઈલો પડી છે. પરંતુ રેસિડેન્શિયલ વિસ્તારમાં હજી સુધી કોઈ મિસાઈલ પડી નથી. સામેથી ઇઝરાયેલ સરકાર તરફથી મિસાઈલ છોડવામાં આવે છે અને હુમલાવાળી મિસાઈલને હવામાં જ નિષ્ક્રિય કરવામાં આવે છે.”
વધુમાં તેમણે જણાવ્યું કે, સુરક્ષાની વાત કરીએ તો, “ઇઝરાયેલ સરકારની એડવાન્સ વોર્નિંગ સિસ્ટમ અને બંકરની સુવિધાના કારણે હાલ તેમના પરિવારજનો સંપૂર્ણપણે સુરક્ષિત છે.” જ્યારે પ્રોટેક્શન વિશે વાત કરીએ તો, ગંભીર પરિસ્થિતિ જણાતા પાંચ મિનિટ પહેલાં મોબાઈલમાં મેસેજ એલર્ટ આવી જાય છે કે સાયરન વાગવાની શક્યતા છે. સાયરન વાગે એટલે પોતાને પ્રોટેક્ટ કરવા માટે બંકરમાં વહી જવાનું હોય છે. પાંચ-સાત મિનિટ સાયરન વાગે છે, ત્યારબાદ પરિસ્થિતિ નોર્મલ થઈ જાય એટલે બંકરમાંથી બહાર નીકળી લોકો પોતાનું રૂટીન કામ ચાલુ કરી દે છે. અમારા પરિવારજનો ત્યાં સેફ છે, અત્યારે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી.”
Porbandar,Gujarat
Mar 04, 2026 12:01 AM IST

