Final Up to date:
વાવ થરાદમાં નર્મદા જમીન સંપાદનમાં વળતરના વિવાદમાં ખેડૂત નરેશકુમાર વેંઝિયાએ ઇચ્છામૃત્યુની માંગ કરી છે. ખેડૂતે આ અંગેના પત્રમાં લખ્યું છે કે, વાવ તાલુકાના વાવ ગામમાં નર્મદા નિગમ દ્વારા એક જ ગામ, એક જ નાણાકીય વર્ષ તથા એક જ પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદન કરવામાં આવ્યું છે.
વાવ: વાવ થરાદમાં નર્મદા જમીન સંપાદનમાં વળતરના વિવાદમાં ખેડૂતે ઇચ્છામૃત્યુની માંગ કરી છે. વાવ તાલુકાના વાવ ગામમાં નર્મદા પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદનમાં ભારે અસંતોષ સર્જાયો છે. એક જ ગામ, એક જ વર્ષ અને એક જ પ્રોજેક્ટ છતાં ખેડૂતોને અપાતા વળતરમાં ઘણું અંતર સામે, ખેડૂતો પ્રશ્ન કરી રહ્યા છે. આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, કેટલાક ખેડૂતોને જંત્રીના બમણા ભાવ અને 15% સુધી વ્યાજ મળ્યું, જ્યારે અન્યને માત્ર 1.5 ગણા ભાવે આંશિક વળતર મળ્યું છે. આ અંગે ખેડૂત નરેશકુમાર વેંઝિયાએ થરાદ કલેક્ટર કચેરીમાં પત્ર લખી ન્યાયની માંગ કરી છે. જો સમાન વળતર નહીં મળે તો ખેડૂતે ‘ઇચ્છામૃત્યુ’ની પરવાનગીની માંગ કરી છે.
ખેડૂતે પત્રમાં લખ્યું છે કે, વાવ તાલુકાના વાવ ગામમાં નર્મદા નિગમ દ્વારા એક જ ગામ, એક જ નાણાકીય વર્ષ તથા એક જ પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદન કરવામાં આવ્યું છે. આ સંપાદન સંદર્ભે LAQ કેસ નં. 84/2024 તથા 79/2024માં સંબંધિત ખેડૂતોને જંત્રીના બે ગણા વળતર સાથે 12%, 9% તથા 15% વ્યાજ સહિતનું પૂર્ણ વળતર ચૂકવવામાં આવ્યું છે. પરંતુ તે જ પ્રોજેક્ટ હેઠળ નર્મદા જમીન સંપાદન LAQ કેસ નં. 173/2024માં, સર્વે નં. 1620.001માં જંત્રીના 0.5 ગણા વળતર અને 12% વ્યાજમાં કપાત કરીને આંશિક વળતર આપવામાં આવ્યું છે, જે સમાનતા તથા ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ છે.

આ બાબતે અમે અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હોવા છતાં, અમારી જમીનનું પૂર્ણ અને ન્યાયસંગત વળતર મળ્યું નથી. છતાં અમારી જમીનને “સંપાદિત” તરીકે નોંધવામાં આવેલી છે, જે ગેરવાજબી છે. અમને પૂર્ણ અને સમાન વળતર ચૂકવવામાં આવે ત્યાં સુધી સંબંધિત જમીન સંપાદનની નોંધ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવે.
બાકી રહેલા 0.5 ગણા જંત્રી ભાવ તથા 12% વ્યાજ સાથે ન્યાયસંગત અને સુધારાત્મક એવોર્ડ તાત્કાલિક જાહેર કરી વળતર ચૂકવવાની કાર્યવાહી કરવામાં આવે. આ સાથે તેમણે એમ પણ લખ્યું છે કે, આ અંતર નિર્ધારણ પુનઃચકાસણી કરવી, તો પણ આ પુનઃચકાસણી થતી ન હોય અને આ સંપૂર્ણ ભૂલ ડી.આઈ.એલ.આર. કચેરીની હોવા છતાં, અમને વારંવાર કોર્ટમાં જવાનું કહેવામાં આવે છે, જે ન્યાયસંગત નથી. માટે આ બાબતે સમયસર અને યોગ્ય નિર્ણય લેવામાં ન આવે તો, આ લોકશાહી ધરાવતા દેશમાં લોકોનું હિત ધ્યાનમાં લેવામાં આવતું નથી, એ સાબિત થાય છે. તો જીવન નિર્વાહ કરવામાં ગુંગળામણ થતી હોય તો, આપની કક્ષાએથી યોગ્ય નિર્ણય લઈ, ઇચ્છામૃત્યુની પરવાનગી આપો.
Banaskantha,Gujarat
Mar 11, 2026 11:27 AM IST

