Final Up to date:
બધા જાણે છે કે 8,848 મીટર ઊંચો માઉન્ટ એવરેસ્ટ દુનિયાનો સૌથી ઊંચો શિખર છે, પરંતુ તે હંમેશાથી આવો નહોતો. તાજેતરમાં એવરેસ્ટની ટોચ પરથી એવી વસ્તુ મળી આવી છે કે, જેણે પૃથ્વીની રચના વિશેના અનેક રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો છે.
Mount Everest Discovery: બધા જાણે છે કે 8,848 મીટર ઊંચો માઉન્ટ એવરેસ્ટ દુનિયાનો સૌથી ઊંચો શિખર છે, પરંતુ તે હંમેશાથી આવો નહોતો. માઉન્ટ એવરેસ્ટની સૌથી ઉપરની ખડકોમાં મળેલી તાજેતરની શોધે વિજ્ઞાન જગતમાં ખળભળાટ મચાવ્યો છે. અહીંથી 450 મિલિયન (45 કરોડ) વર્ષ જૂના દરિયાઈ જીવોના અવશેષો મળી આવ્યા છે. જેના પરથી સાબિત થયું છે કે, આ વિશાળ પર્વત ક્યારેક પ્રાચીન મહાસાગરનું તળિયું હતું.
આ જીવાવશેષોમાં ક્રિનોઈડ્સ, ટ્રાઈલોબાઈટ્સ અને બ્રેકિયોપોડ્સ જેવા જીવોના નિશાન છે, જે માત્ર ગરમ અને છીછરા સમુદ્રમાં જ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ અહેવાલોએ પૃથ્વીની રચના વિશેના અનેક રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો છે.
વૈજ્ઞાનિકોના મતે, એવરેસ્ટની ટોચ ‘ક્વોમોલાંગ્મા લાઈમસ્ટોન’ નામના કાંપવાળા ખડકોની બનેલી છે. આ ખડકો ઓર્ડિવેશિયન પિરિયડ (આશરે 48 કરોડ વર્ષ પહેલાં) ના છે. આ પુરાવા સૂચવે છે કે જે જગ્યા આજે દરિયાની સપાટીથી 29,000 ફૂટ ઊંચી છે, તે ક્યારેક ભારત અને એશિયા વચ્ચે ફેલાયેલા પ્રાચીન ‘ટેથિસ મહાસાગર’નું પેટાળ હતી.
આ રહસ્યનો જવાબ ‘પ્લેટ ટેક્ટોનિક્સ’માં છુપાયેલો છે. આશરે 22.5 કરોડ વર્ષ પહેલાં, ભારતની ટેક્ટોનિક પ્લેટ ગોંડવાના સુપરકોન્ટિનેન્ટથી અલગ થઈને ઉત્તર તરફ આગળ વધી. જ્યારે આ પ્લેટ યુરેશિયન પ્લેટ (જેમાં રશિયા, ચીન સહિત ઘણાં દેશો છે.) સાથે ટકરાઈ, ત્યારે આ પ્રચંડ ટક્કરને કારણે સમુદ્રના તળિયે રહેલી ખડકો ઉપરની તરફ ધકેલાઈ. આ પ્રક્રિયાને કારણે હિમાલય પર્વતમાળાની રચના થઈ. જે પછી જે એવરેસ્ટ ક્યારેક સમુદ્રની ઊંડાઈમાં હતું, તે આજે પૃથ્વીનું સૌથી ઊંચું બિંદુ બની ગયું છે.
અહીં રસપ્રદ વાત એ છે કે, આ બંને વિશાળ પ્લેટોની ટક્કર હજુ પણ ચાલુ છે. આ બંને પ્લેટો હજુ પણ એકબીજાને ધક્કો મારી રહી છે, જેના કારણે હિમાલય દર વર્ષે આશરે 5 થી 10 મિલીમીટર જેટલો ઊંચો થઈ રહ્યો છે. આ શોધની તસવીરો વાયરલ થતા લોકો તેને “પૃથ્વીનો સૌથી મોટો પ્લોટ ટ્વિસ્ટ” કહી રહ્યા છે. નાસા (NASA) અને જીઓલોજિકલ સોસાયટી જેવી સંસ્થાઓએ પણ પુષ્ટિ કરી છે કે આ પ્લેટ ટેક્ટોનિક્સનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ પથ્થરો પર દેખાતા દરિયાઈ શંખ અને જીવોની છાપ પૃથ્વીના ઈતિહાસનો પુરાવો છે.
માઉન્ટ એવરેસ્ટની ટોચ પર મળી એવી વસ્તુ કે જોઈને વૈજ્ઞાનિકોનું માથું પણ ચકરાઈ ગયું, ખુલ્યું પૃથ્વીના ઈતિહાસનું રહસ્ય!

