Final Up to date:
અમદાવાદના નવા નિકોલમાં રાંધણ ગેસ સિલિન્ડરની નોંધણીમાં મહિનો વિતવા છતાં વિલંબ થઈ રહ્યો છે, લોકો કન્ફર્મેશન મેસેજ ન મળવાની ફરિયાદ કરી રહ્યા છે. એજન્સી સર્વર ઇશ્યૂને કારણભૂત માને છે, સરકારના નિયમ છતાં લોકોમાં રોષ અને કતારો જોવા મળે છે.
અમદાવાદ: અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર લગભગ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. ખાસ કરીને ભારતમાં હાલ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની તો અછત જોવા મળી રહી છે, સાથે જ રાંધણ ગેસ સિલિન્ડરની અછત ન સર્જાય અને લોકોમાં પૅનિક ન સર્જાય તેને લઈને સરકાર દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં પહેલાં જે ગેસ સિલિન્ડર 21 દિવસે નોંધણી થતી હતી, તે હવે 25 દિવસ બાદ જ નોંધી શકાશે. જોકે આ નિયમ બનવા છતાં અને મહિનો એટલે કે 30 દિવસ થવા છતાં લોકોના ગેસ સિલિન્ડરની નોંધણી નહીં થતી હોવાની ફરિયાદ ઉઠી છે. જેને પગલે નવા નિકોલ વિસ્તારની એક ગેસ એજન્સી પર લોકોએ રોષ ઠાલવ્યો હતો.
આમ તો રાંધણ ગેસની કોઈ અછત સર્જાશે નહીં અને પૂરતો સ્ટોક હોવાની વિગતો સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. જોકે તેની સાથે ગેસ સિલિન્ડરની નોંધણી માટે 21 દિવસે નોંધણી થતી હતી, તે હવે 25 દિવસે નોંધણી થઈ શકશે તેવો નિયમ પણ લાગુ કરાયો છે, છતાં ગેસ સિલિન્ડર નોંધાવવા માટે ગેસ એજન્સી પર ગ્રાહકોના ટોળા જોવા મળી રહ્યા છે. ગેસ સિલિન્ડર નોંધાવવા માટે લોકોની કતારો લાગે છે. આવી જ રીતે અમદાવાદના નવા નિકોલ વિસ્તારમાં આવેલી ગેસ એજન્સી પર પણ લોકોએ કતાર લગાવી હતી.
અમદાવાદના નવા નિકોલમાં આવેલી ગેસ એજન્સીએ આવેલા લોકોએ ગેસ નોંધણી કરાવવાની પ્રક્રિયા કરવા છતાં ગેસ નોંધાયાનો મેસેજ નહીં આવતો હોવાની ફરિયાદ સાથે ગેસ એજન્સી પર રોષ ઠાલવ્યો હતો. લોકોએ ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, નિયમ 25 દિવસનો છે પરંતુ મહિનો થવા છતાં પણ ગેસ સિલિન્ડર નોંધણી થઈ રહી નથી. અનેક વાર પૂછપરછ કરવા છતાં એજન્સી તરફથી કોઈ જવાબ મળતો નથી. એટલું જ નહીં ગેસ સિલિન્ડર માટે નોંધણી માટેની પ્રક્રિયા કર્યા બાદ જે કન્ફર્મેશનનો મેસેજ આવતો હોય છે તે મેસેજ આવી રહ્યો નથી. તો કેટલાક લોકોએ ગેસ સિલિન્ડરના કાળા બજાર થતા હોવાનો આક્ષેપ પણ કરી નાખ્યો હતો.
બીજી તરફ તોમર ગેસ એજન્સીના સંચાલક નિકુલ તોમરે જણાવ્યું કે જે રીતે કોઈ ટિકિટનું બુકિંગ કરાવવામાં લોકો એક સાથે બુકિંગ કરાવતા હોય ત્યારે સર્વરના ઇશ્યૂ આવતા હોય છે, તેવું જ સિલિન્ડર નોંધણીના કેસમાં થઈ રહ્યું છે. એક સાથે ઘણા લોકો ગેસ સિલિન્ડર નોંધણી કરાવવા લાગ્યા છે જેથી સર્વર ઠપ થઈ જતાં લોકોને કન્ફર્મેશનના મેસેજ આવી રહ્યા નથી. અને જ્યારે ગેસ સિલિન્ડર બુકિંગ થાય છે, ત્યારે જ ચોક્કસ નંબરનો કોડ જનરેટ થતો હોય છે જેથી ગેસ સિલિન્ડરના કાળા બજાર થવાના કોઈ ચાન્સ જ નથી. લોકોએ પૅનિક થવાની જરૂર નથી. સામાન્ય રીતે કોઈ ઘટના બનતી હોય, ત્યારે તેના 15થી 20 દિવસમાં સ્થિતિ સામાન્ય થઈ જતી હોય છે, તે રીતે જ આગામી 15 થી 20 દિવસમાં બધું ઠીક થઈ જશે તેવું લાગી રહ્યું છે. લોકોએ અફવાઓથી દૂર રહેવું પણ જરૂરી છે.
Ahmedabad,Gujarat

