Final Up to date:
સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક વ્યક્તિ લોકોના દુઃખડા સાંભળીને કમાણી કરી રહ્યો છે. જેથી યુઝર્સ પણ આ વ્યક્તિનો બિઝનેસ આઈડિયા જાણી નવાઈ પામી ગયા છે.
આપણે સૌ રૂપિયા કમાવા માટે નોકરી કે ધંધો કરીએ છીએ. દિવસ રાત એક કરીને પરસેવો પાડીને આપણે કમાણી કરતા હોઈએ છીએ. જોકે હાલ સોશિયલ મીડિયા પર એવો એક વીડિયો વાયરલ થયો છે. જેને જોઈને તમે નવાઈ પામી જશો. ભગવાન ગૌતમ બુદ્ધે એવું કહ્યું હતું કે જીવનનું સત્ય સમજવા માટે પહેલા એ માનવું જરૂરી છે કે દુનિયામાં દુઃખ પણ છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે હેરાન થતો હોય છે. કોઈને સંબંધોને લઈને દુઃખ છે તો કોઈને જીવનની સ્થિતિને લઈને દુઃખ છે.
માણસના સ્વભાવમાં એવું હોય છે કે કોઈ તેની વાતને સાંભળે અને તેને સમજે. ક્યારેક આવો મિત્ર આપણને મળી જાય તો ક્યારેક પરિવારમાં કોઈ આવું એક સદસ્ય હોય છે. પરંતુ ઘણા એવા વ્યક્તિઓ પણ હોય છે જેમનું કોઈ સાંભળતું નથી. આવા મુદ્દે એક વ્યક્તિએ અજીબોગરીબ બિઝનેસ આઈડિયા ઉભો કર્યો જેમાં તે લોકોના દુઃખ સાંભળી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો મુંબઈના દરિયાકિનારાનો હોવાનું સામે આવ્યું છે. અહીંયા એક વ્યક્તિ બોર્ડ લઈને બેસી ગયો છે. જેમાં બોર્ડ પર તેણે અલગ અલગ દુઃખ સાંભળવાની કિંમત લખેલી છે. બોર્ડ પર તેણે સામાન્ય દુઃખ માટે 250 રૂપિયા, મોટા દુઃખ માટે 500 રૂપિયા અને સાથે બેસીને રડવું હોય તો 1000 રૂપિયાનો ભાવ લખ્યો છે.
ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો @arpitsrivastava687 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોઈને યુઝર્સ પણ નવાઈ પામી ગયા છે અને કોમેન્ટ સેક્શનમાં પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જોકે મોટા ભાગના યુઝર્સ દ્વારા આ વીડિયો પર પોતાની રમૂજી પ્રતિક્રિયા આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ઘણા યુઝર્સ તેને અજીબ માની રહ્યા છે તો ઘણા યુઝર્સનું માનવું છે કે કોઈને પોતાના દિલની વાત કહેવા મળે તે સારી વાત છે. કુલ મળીને આ વીડિયો એ વસ્તુ વિચારવા માટે મજબૂર કરે છે કે આજની ભાગદોડ વાળી જિંદગીમાં સૌથી મોટી જરૂર કોઈ એવા વ્યક્તિની છે કે બસ જે તમારી વાતને સાંભળે.

