Final Up to date:
જૂનાગઢમાં કીર્તિ પટેલ મહાશિવરાત્રિની રાતે મૃગીકુંડમાં સ્નાનથી વિવાદમાં આવી, ત્રણ ફરિયાદો નોંધાઈ, રાજસ્થાન ભાગી, પોલીસ દબોચી, કોર્ટમાં રડતાં ન્યાયની માગણી.
જૂનાગઢ: ભૂતકાળમાં વિવાદોથી ઘેરાયેલી કીર્તિ પટેલ મહાશિવરાત્રીની રાતથી જ ફરી ચર્ચામાં આવી છે. ભવનાથના મંદિરમાં આવેલા મૃગી કુંડમાં મહાશિવરાત્રીએ નાગા સાધુઓની રવેડી પૂર્ણ થયા બાદ રાતે શાહી સ્નાન થાય છે. આ વખતે સાધુ સંતોની સાથે કીર્તિ પટેલે પણ સ્નાન કરતા નવો જ વિવાદ ઉઠ્યો હતો. આ વિવાદ બાદ કીર્તિ પટેલ પર ત્રણ ફરિયાદો નોંધાઈ હતી. ફરિયાદ નોંધાયા બાદ કીર્તિ પટેલ રાજસ્થાન ભાગી ગઈ હતી. જોકે, પોલીસે કીર્તિ પટેલને રવિવારે જ દબોચી લીધી છે. કીર્તિ પટેલ આજે (23 ફેબ્રુઆરી) સાંજે ચાર વાગ્યા સુધી રિમાન્ડ પર હતી. રિમાન્ડ બાદ કીર્તિને આજે ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આવેલી કીર્તિ પટેલે કોર્ટમાં જતાં પહેલાં રડતાં રડતાં ન્યાયની માગણી કરી હતી.
કીર્તિ પટેલના રિમાન્ડ પૂરા થયા બાદ આજે તેને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્તમાં કોર્ટ પરિસરની અંદર લઈ જતા કીર્તિ પટેલ ચોંધાર આંસુએ રડી પડી હતી. કીર્તિએ રડતાં રડતાં જણાવ્યું હતું કે, મીડિયા હાજર રહીને યોગ્ય ન્યાય અપાવે. નોંધનીય છે કે, ભવનાથમાં સાધ્વીની જેમ ભગવા વસ્ત્રો પહેરીને મૃગીકુંડમાં સ્નાન કરવા ગયેલી કીર્તિ પટેલ સામે સાધુ-સંતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
કીર્તિ પટેલ આજે (23 ફેબ્રુઆરી) સાંજે ચાર વાગ્યા સુધી રિમાન્ડ પર હતી. કીર્તિ પટેલે રિમાન્ડ દરમિયાન અનેક ઘટસ્ફોટ કર્યા છે. મળતી માહિતી પ્રમાણે કીર્તિએ જણાવ્યું છે કે, તેના પર ફરિયાદ નોંધાયા બાદ તે સીધી રાજસ્થાનના ઉદયપુરમાં પહોંચી હતી. ધરપકડથી બચવા ઉદયપુરમાં તેણે આશરો લીધો હતો. માહિતી એવી પણ મળી રહી છે કે, કીર્તિ પટેલે ભાગવામાં ઉપયોગ કરેલી કારનો પણ કબજો લેવામાં આવશે. આજે સાંજે 4 વાગ્યે કીર્તિ પટેલના રિમાન્ડ પૂર્ણ થશે. રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાશે. કીર્તિ ઉપરાંતના બાકીના ફરાર ચાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
કીર્તિ પટેલના વિવાદમાં જૂનાગઢ પોલીસમાં કુલ ત્રણ ફરિયાદો નોંધાઈ છે. પ્રથમ ફરિયાદ મહિલા પોલીસ અધિકારીએ નોંધાવી હતી, જેમાં ફરજમાં રુકાવટ અને મહિલા પીઆઇને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ છે. બીજી ફરિયાદ પ્રભાસ પાટણના સાધુ દ્વારા નોંધાવાઈ હતી જેમાં મૃગીકુંડમાં સ્નાન કરી સંતોની આસ્થાને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. 21મી ફેબ્રુઆરીના રોજ એક સ્થાનિક યુટ્યુબરે ત્રીજી ફરિયાદ નોંધાવી છે. જેમાં કીર્તિ પટેલે તેના અન્ય પાંચ સાથીદારો સાથે મળીને યુટ્યુબર પાસે 20 લાખ રૂપિયાની તોતિંગ ખંડણી માગી હતી. આ રકમ ન આપે તો તેને ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ દબાણને કારણે યુવકે બે વાર આપઘાતનો પ્રયાસ પણ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ગુનાઓમાં કીર્તિ પટેલની સંડોવણી બાદ તે ફરાર હતી. તેની તપાસ બાદ તે રાજસ્થાનમાં ઉદયપુરમાં હોવાની માહિતી મળતા પોલીસે તેને રવિવારે ઝડપી પાડી હતી.
Junagadh,Gujarat

