Petrol Diesel Worth Hike In Pakistan: ઈઝરાયલ ઇરાન યુદ્ધની આગ પાકિસ્તાનને પણ દઝાડી રહી છે. ક્રૂડ ઓઈલમાં ઉછાળાથી પાકિસ્તાનમાં પેટ્રોલ ડીઝલના ભાવ ભડકે બળ્યા છે. પાકિસ્તાનમાં ગુરુવારે પેટ્રોલ ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કારયો છે, જેના પગલે 1 લીટર ડીઝલની કિંમત 500 પાકિસ્તાન રૂપિયા (PKR)ને વટાવી ગઇ છે. તો ભારતની તુલનામાં પાકિસ્તાનમાં ઇંધણના ભાવ પાંચ ગણા થઇ ગયા છે.
પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારો કરવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં 137.24 PKR પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 184.49 PKRનો વધારો કરવામાં આવ્યો છે. પડોશી દેશમાં પેટ્રોલ 458.4 PKR પ્રતિ લીટર અને હાઈ સ્પીડ ડીઝલ (એચએસડી) 520.35 PKR પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે. નાણામંત્રી મોહમ્મદ ઔરંગઝેબે એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી.
પાકિસ્તાની મીડિયા વેબસાઈટ ડોનના રિપોર્ટ અનુસાર, પ્રેસ કોન્ફરન્સ બાદ તરત જ ઉર્જા મંત્રીએ નવા ભાવની પુષ્ટિ કરવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. મલિકે કહ્યું કે નવા ભાવ શુક્રવાર (3 એપ્રિલ, 2026) થી લાગુ થશે.
પાકિસ્તાનમાં કેરોસીનના પણ ભાવ વધારવામાં આવ્યા છે. કેરોસીનની કિંમત 34.08 PKR વધી છે અને 1 પ્રતિ લિટરનો ભાવ 457.80 PKR થયો છે. તમને જણાવી દઈએ કે ભારતના 1 PKRની કિંમત પાકિસ્તાનમાં લગભગ 3 પાકિસ્તાની રૂપિયા (PKR) બરાબર છે.
પાકિસ્તાને ઈંધણના ભાવમાં વધારો કેમ કર્યો?
પાકિસ્તાનમાં ઇંધણના ભાવમાં વધારો યુએસ, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક ઇંધણ સંકટ વચ્ચે આવ્યો છે. આ યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થઇ ગયું છે, જે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઓઈલ કાર્ગો શિપિંગ પૈકીનો એક છે. આ શિપિંગ રૂટ મારફતે દુનિયાના લગભગ 20 ટકા ઇંધણનું પરિવહન થાય છે.
ડોનની એક રિપોર્ટ મુજબ, આ ઘોષણા પાછલા અઠવાડિયા પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફની તે નિવેદન પછી થઇ છે, જેમા તેમણે કહ્યું હતું કે, તેમણે યુદ્ધ શરૂ થયા પછી પેટ્રોલના ભાવમાં 95 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 203 PKR પ્રતિ લિટરનો વધારો કરવાના ત્રીજા પ્રસ્તાવને ફગાવી દીધો છે.
આ પહેલા વડાપ્રધાને પેટ્રોલના ભાવમાં 76 PKR પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 177 PKR પ્રતિ લીટરનો વધારો કરવાની ભલામણને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં વધુ વધારો થયા બાદ 12 માર્ચે સમાન દરખાસ્તને નકારી કાઢવામાં આવી હતી.
જો કે, યુદ્ધ શરૂ થયા પછી તરત જ, સરકારે 6 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રારંભિક 55 PKR પ્રતિ લિટરનો વધારો કર્યો હતો.
સબસિડીના પગલાંની જાહેરાત
ડોનના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના મંત્રી ઔરંગઝેબે બ્રીફિંગ દરમિયાન કેટલાક રાહતના પગલાંની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ટુ વ્હીલર માટે 100 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટરની સબસિડી આપવામાં આવશે. આ સબસિડી દર મહિને 20 લિટર સુધી મર્યાદિત રહેશે અને ત્રણ મહિનાના સમયગાળા માટે લાગુ થશે.
કૃષિ ક્ષેત્ર માટે નાના ખેડૂતોને એકર દીઠ 1,500 PKRની એક વખતની સબસિડી આપવામાં આવશે.
ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં હાઈ સ્પીડ ડીઝલ (HSD) પર ચાલતા ઇન્ટર-સિટી અને માલસામાન વાહનોને 100 રૂપિયા પ્રતિ લિટરની સબસિડી આપવામાં આવશે અને તેની કિંમતોની દર મહિને સમીક્ષા કરવામાં આવશે. મોટાભાગની ખાદ્ય ચીજોનું પરિવહન કરતી ટ્રકોને 70,000 PKRની સહાય આપવામાં આવશે.
આ ઉપરાંત મોટા પરિવહન વાહનોને દર મહિને 80,000 PKR આપવામાં આવશે, જ્યારે ઇન્ટર-સિટી પેસેન્જર અને પબ્લિક સર્વિસ વાહનોને ભાડાને સ્થિર રાખવામાં મદદ કરવા માટે દર મહિને 1 લાખ PKR આપવામાં આવશે.
ઔરંગઝેબે એમ પણ કહ્યું હતું કે રેલ સેવાઓનો ઉપયોગ કરતા ઓછી આવક ધરાવતા મુસાફરોને ટેકો આપવા માટે સબસિડી વધારવામાં આવશે. જો કે, તેમણે એ વાત નથી કરી કે આ રાહતના પગલાંનો અમલ ક્યારે કરવામાં આવશે.
