ધુળેટીમાં કેમિકલ રંગોને કહો અલવિદા! અમિતભાઈ પાસેથી શીખો કેસુડાના ફૂલોમાંથી રંગ બનાવતા

ધુળેટીમાં કેમિકલ રંગોને કહો અલવિદા! અમિતભાઈ પાસેથી શીખો કેસુડાના ફૂલોમાંથી રંગ બનાવતા

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

નવસારીમાં ધુળેટી–હોળીના પર્વને આ વખતે ખાસ રીતે કુદરત સાથે જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જ્યાં એક તરફ રંગોના ઉત્સવની તૈયારી છે, ત્યાં બીજી તરફ લુપ્ત થતી કેસુડાની વૃક્ષ પ્રજાતિ અને કુદરતી રંગોની પરંપરાને ફરી જીવંત કરવાની અનોખી પહેલ જોવા મળી રહી છે. પ્રકૃતિપ્રેમી અમિતભાઈ પટેલ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવીને કેમિકલયુક્ત રંગો બદલે કુદરતી કેસુડાના રંગથી હોળી ઉજવવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.

+

કેસુડાના

કેસુડાના ફુલમાંથી રંગ બનાવવાની રીત

નવસારી: ધુળેટી અને હોળીનો પર્વ આવે એટલે નાના બાળકોથી લઈને યુવાનો અને વડીલો સુધી તમામ લોકોમાં ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળે છે. રંગોનો આ પર્વ માત્ર મોજ–મસ્તી માટે જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને પરંપરાગત મહત્વ પણ ધરાવે છે. અગાઉના સમયમાં લોકો કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરતા નહોતા, પરંતુ કુદરતી રીતે કેસુડાના ફૂલોમાંથી બનાવેલા રંગોનો ઉપયોગ કરીને ધુળેટી ઉજવતા હતા. આ રંગો માત્ર ત્વચા માટે સુરક્ષિત જ નહીં પરંતુ આરોગ્ય માટે પણ લાભદાયી ગણાતા હતા, જેના કારણે લોકો નિર્ભયતાથી આ પર્વની ઉજવણી કરતા હતા.

નવસારીના પ્રકૃતિપ્રેમી અને પર્યાવરણ જાગૃતિ માટે સતત કાર્યરત અમિતભાઈ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી લુપ્ત થતી વૃક્ષ પ્રજાતિઓના સંરક્ષણ માટે કાર્ય કરી રહ્યા છે. હાલ વસંત ઋતુ ચાલી રહી છે અને આ ઋતુમાં કેસુડાના વૃક્ષો પર કેસરીયા રંગના આકર્ષક ફૂલ ખીલી ઊઠે છે. અમિતભાઈ પટેલના જણાવ્યા મુજબ અગાઉ નવસારી જિલ્લામાં મોટી સંખ્યામાં કેસુડાના વૃક્ષો જોવા મળતા હતા, પરંતુ હાલમાં જિલ્લામાં માંડ 100 જેટલા વૃક્ષો પણ બાકી રહ્યા નથી, જેના કારણે કુદરતી રંગોની પરંપરા પણ ધીમે ધીમે લુપ્ત થતી જાય છે.

કેસુડાના ફૂલમાંથી કુદરતી રંગ બનાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઘરેલુ છે. સૌપ્રથમ સવારે તાજા કેસુડાના ફૂલ એકત્રિત કરવા અને ત્યારબાદ ફૂલની પાછળ આવેલા લીલા રંગના બુચ તેમજ અંદરના સફેદ રૂંવાટી જેવા ભાગને અલગ કરી લેવા. ત્યારબાદ આ ફૂલોને ગરમ પાણીમાં નાખીને અંદાજે 20 થી 25 મિનિટ સુધી ઉકાળવા. જ્યાં સુધી પાણી કેસરીયા રંગમાં પરિવર્તિત ન થાય ત્યાં સુધી તેને ઉકાળતા રહેવું. ત્યારબાદ આ દ્રાવણને ગાળી લેવું અને ઠંડુ થવા દેવું. તૈયાર થયેલો આ કુદરતી રંગ ધુળેટીમાં ઉપયોગ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત હોય છે.

આયુર્વેદિક રીતે જોવામાં આવે તો કેસુડાના ફૂલોમાં અનેક ઔષધીય ગુણધર્મો રહેલા હોય છે. કેસુડાના ફૂલમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ત્વચાને ચામડીના ઇન્ફેક્શનથી બચાવવામાં મદદરૂપ બને છે. કેમિકલયુક્ત રંગોની સરખામણીમાં કુદરતી રંગો ત્વચા પર કોઈ પ્રતિકૂળ અસર કરતા નથી અને એલર્જીથી પણ સુરક્ષા આપે છે. કેસુડાનો રંગ ત્વચાને સૂર્યકિરણોથી થતી અસરથી બચાવવામાં સહાય કરે છે અને ગરમીના સમયમાં શરીરને ઠંડક આપે છે તેમજ ત્વચામાં તાજગી જાળવી રાખે છે. આ ઉપરાંત માથાની ત્વચાને નુકસાન પહોંચાડ્યા વગર વાળને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે અને ત્વચા ઉપર રહેલા ઝેરી તત્વોને દૂર કરવામાં પણ સહાયક સાબિત થાય છે.

આ પણ વાંચો: ખંડિત મૂર્તિઓનું વિસર્જન અને નવી પ્રતિમાઓનું દાન, આ ટ્રસ્ટની પ્રશંસનીય પહેલ

આ રીતે કુદરતી રીતે તૈયાર કરાયેલ કેસુડાનો રંગ માત્ર પર્યાવરણને જ નહીં પરંતુ આપણા સ્વાસ્થ્યને પણ સુરક્ષિત રાખે છે. આજના સમયમાં કેમિકલયુક્ત રંગોથી દૂર રહીને ફરી એકવાર કુદરતી રંગોથી હોળી–ધુળેટી ઉજવવાની જરૂરિયાત ઊભી થઈ છે, જેથી પરંપરા અને પ્રકૃતિ બંનેનું સંરક્ષણ થઈ શકે અને આવનારી પેઢીને સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણનો વારસો મળી રહે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *