Final Up to date:
દાહોદના જેતપુર (દુ) ગામમાં છેલ્લા ત્રણ મહિનામાં 75થી વધુ દુધાળા પશુઓના રહસ્યમય મોતથી ભરવાડ સમાજમાં ભય અને શોક છે. વેક્સિન બાદ પણ મોતનો સિલસિલો યથાવત છે, જેના કારણે પશુપાલકોને હાલ સુધીમાં 40 લાખથી વધુનું નુકસાન થયું છે. ત્યારે તંત્ર હાલ પશુઓના મોતનું સાચું કારણ જાણવામાં લાગ્યું છે.
દાહોદ: લીમખેડા તાલુકાના જેતપુર (દુ) ગામના આમલી ફળિયામાં છેલ્લા ત્રણ મહિનાથી પશુઓના ટપોટપ મોત થવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ફફડાટ ફેલાવ્યો છે. કોઈ અજાણ્યા રોગ કે રહસ્યમય કારણોસર અત્યાર સુધીમાં 75થી વધુ પશુઓના મોત નીપજ્યા છે. ખાસ કરીને ભરવાડ સમાજના પરિવારોની તંદુરસ્ત અને ગર્ભવતી ગાયો કોઈપણ ચિહ્નો વગર ગણતરીની સેકન્ડોમાં જ જમીન પર ઢળી પડી દમ તોડી રહી છે, જેના કારણે પશુપાલકોમાં ભારે શોક અને ભયનો માહોલ છે.
મળતી માહિતી મુજબ, દાહોદ લીમખેડામાં પશુઓના મોતની આ દુર્ઘટના માત્ર જેતપુર (દુ) ગામે આવેલા આમલી ફળિયા વિસ્તારમાં જ સર્જાઈ રહી છે. ઘટનાની સૌથી આઘાતજનક બાબત એ છે કે પશુઓમાં બીમારીના કોઈ પ્રાથમિક લક્ષણો જોવા મળતા નથી. પશુપાલકોના જણાવ્યા મુજબ, પશુઓ એકદમ સ્વસ્થ હોય છે અને અચાનક જમીન પર ઢળી પડે છે અને માત્ર બે જ સેકન્ડમાં તેમનું મોત થઈ જાય છે. છેલ્લા 3થી 4 મહિનામાં આવી જ રીતે 75થી વધુ દુધાળા પશુઓએ દમ તોડ્યો છે.
નોંધનીય છે કે, આટલી મોટી સંખ્યામાં પશુઓના મોત થતા પશુપાલકોએ ગામના સરપંચ દ્વારા લીમખેડા પશુ આરોગ્ય કેન્દ્રને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં તંત્રએ ઊંડી તપાસ કરવાની તસ્દી સુદ્ધાં લીધી નથી. પશુપાલકોનો આક્ષેપ છે કે, અધિકારીઓએ માત્ર વેક્સિન આપીને સંતોષ માની લીધો હતો, પરંતુ વેક્સિનેશન બાદ પણ પશુઓના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે પશુપાલન વિભાગની કામગીરી સામે હાલ ગંભીર સવાલો ઉભા થયા છે.
પશુપાલક મોતીભાઈ ભરવાડના જણાવ્યા અનુસાર, અચાનક આટલી મોટી માત્રામાં દુધાળા પશુઓના મોત થતા અમે પશુપાલન કરી ગુજરાન ચલાવતા ભરવાડ સમાજના અંદાજે 8 જેટલા પરિવારો પાયમાલ થઈ ગયા છીએ. એક-એક પરિવારને 3થી 4 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. 75થી પણ વધુ દૂધાળા પશુઓના મોત નીપજ્યા છે અને કેટલાક પરિવારોએ તો પોતાના તમામ પશુઓ ગુમાવી દીધા છે. જેથી કુલ મળીને 40 લાખથી વધુ રૂપિયાનું અમને નુકસાન થયું છે, જેથી અમારી આર્થિક હાલત અત્યંત કફોડી બની ગઈ છે.
નોંધનીય છે કે, લાંબા સમયની રજૂઆતો અને મીડિયાના હસ્તક્ષેપ બાદ આખરે તંત્ર સફાળું જાગ્યું છે અને હાલમાં મૃત પશુઓના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પશુપાલકો અને ગ્રામજનોની ઉગ્ર માંગ છે કે આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે અને પશુઓના મોતનું સાચું કારણ બહાર લાવવામાં આવે. તેથી પશુઓના મોત કયા કારણથી થઈ રહ્યા છે? શું કોઈ વાયરસ છે કે પછી ઝેરને કારણે આ બનાવો બની રહ્યા છે તે અંગે પશુપાલન વિભાગે તપાસ શરૂ કરી છે. તો, જે પરિવારોએ પોતાના જીવનનિર્વાહનું સ્ત્રોત ગુમાવ્યો છે તેમને સરકાર દ્વારા વળતર આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

