Final Up to date:
સોશિયલ મીડિયા પર એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે કે તેના પાડોશીએ તેના ઘરના 3 હપ્તા ન ભર્યા તો બેંક દ્વારા તેને 60 દિવસની અંદર ઘરની હરાજી કરી દેવામાં આવી. જેથી આ બનાવ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટે હાલ હોમ લોન હોલ્ડર્સની ઊંઘ ઉડાવી દીધી છે. એક વ્યક્તિ તેની હોમ લોનના માત્ર 3 હપ્તા ન ભરી શક્યો અને તેણે પોતાનું ઘર ગુમાવી દીધું. જે વ્યક્તિએ વર્ષો સુધી પોતાની જમાપૂંજી ભરીને પોતાનું ઘર બનાવ્યું તે જ ઘરમાં તે 3 હપ્તા ન ભરી શક્યો અને બેંક દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી. આ સમગ્ર મામલે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ સામે આવ્યો છે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મીનલ ગોયલ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિંક્ડઇન પર એક પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં તેણે જણાવ્યું કે તેના પાડોશીએ 1.2 કરોડમાં ફ્લેટ ખરીદ્યો હતો. ઘરના હપ્તા પાડોશી 8 વર્ષથી સમયસર ભરી રહ્યો હતો. જોકે 2025માં તેની જોબ છૂટી ગઈ અને આર્થિક સ્થિતિ તેની ખરાબ થઈ ગઈ હતી.

પરિણામ એ આવ્યું કે જાન્યુઆરી 2026 સુધી તેની હોમ લોનના 3 હપ્તા બાઉન્સ થયા. બેંક દ્વારા SARFAESI એક્ટ અંતર્ગત તેને નોટિસ મોકલવામાં આવી અને માત્ર 60 દિવસમાં તેના સપનાના ઘરની હરાજી કરી દેવામાં આવી. પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું કે 1.2 કરોડનું ઘર માત્ર 95 કરોડમાં વેચાયું. આમાં બેંક દ્વારા પોતાની 80 લાખની રકમ કાપી લેવામાં આવી સાથે જ મકાન માલિકને તેની 8 વર્ષની મહેનતના બદલે માત્ર 15 લાખ રૂપિયા મળ્યા.

સોશિયલ મીડિયા પર જેવી આ પોસ્ટ વાયરલ થઈ કે બેન્કિંગથી લઈને રિયલ એસ્ટેટ એક્સપર્ટ્સે આના પર સવાલો ઉઠાવવાના શરૂ કર્યા. બેન્કિંગ ક્ષેત્રે જાણકારોનું કહેવું છે કે 90 દિવસના ડિફોલ્ટ બાદ જ એકાઉન્ટ NPA થાય છે. હરાજીની કાયદાકીય પ્રક્રિયા પણ આટલી ઝડપથી નથી થતી.
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે ફ્લેટની કિંમત પર શંકા વ્યક્ત કરતા એક્સપર્ટનું કહેવું છે કે બેંગલુરુ જેવી મેટ્રો સિટીમાં પ્રોપર્ટીના ભાવ સાતમા આસમાને છે. 8 વર્ષ જૂના ફ્લેટ તેની મૂળ કિંમત કરતા ઓછા ભાવે વેચાવો શંકાસ્પદ છે. એક્સપર્ટનું એવું પણ કહેવું છે કે સામાન્ય રીતે બેંક સેટલમેન્ટ કે પછી રીસ્ટ્રક્ચરિંગની તક આપે છે. તો આ મામલે શું બેંકે વધારે જ કડક વલણ અપનાવ્યું ?
(Disclaimer: આ સમાચાર સોશિયલ મીડિયા પોસ્ટ અને યુઝર્સની પ્રતિક્રિયાઓ પર આધારિત છે. News18 ગુજરાતી આ ખબરની પુષ્ટિ નથી કરતું)
New Delhi,Delhi

