Final Up to date:
બનાસકાંઠાના ડીસા તાલુકામાં એક ભૂવાજીએ ‘એકના ડબલ’ કરવાની લાલચ આપી મહિલાના 17.50 લાખના સોના-ચાંદીના દાગીના લઈ ફરાર થયો હતો. જેથી મહિલાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેને બચાવીને તેના દાગીના પરત અપાવ્યા છે.
બનાસકાંઠા: ડિસા પંથકમાં અંધશ્રદ્ધાનો એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો. આ કિસ્સામાં એક ભૂવાજીએ ‘એકના ડબલ’ કરી આપવાની લાલચે મહિલા પાસેથી લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના ઝૂંટવી લીધા હતા. બાદમાં પોતે ભૂવાજીની છેતરપિંડીનો ભોગ બની હોવાની જાણ થતા આ મહિલા મોતને વ્હાલું કરવા કેનાલે પહોંચી હતી. જોકે સમગ્ર મામલાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પીડિત મહિલાને બચાવી લીધી હતી અને હાલ પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ મહિલાને તેના દાગીના પરત અપાવ્યા છે.
મળતી માહિતી મુજબ, અંધશ્રદ્ધાનો આ ચોંકાવનારો કિસ્સો બનાસકાંઠાના ડીસા તાલુકામાંથી સામે આવ્યો છે. જ્યાં એક ઠગ વ્યક્તિ પોતે ભૂવાજી હોવાનો દાવો કરી એક મહિલાને વિધિના નામે ભોળવી, એકના ડબલ કરી આપવાની લાલચ આપી તેના રૂપિયા 17.50 લાખના સોના-ચાંદીના દાગીના લઈ ફરાર થઈ ગયો હતો. જેથી સર્વસ્વ ગુમાવી ચૂકેલી આ મહિલા એટલી હદે ભાંગી પડી હતી કે, તેણીએ મોતને વહાલું કરવાનો નિર્ણય કરી લીધો હતો. પરંતુ, કહેવાય છે ને કે ‘રામ રાખે તેને કોણ ચાખે’ તે સૂત્ર આ કિસ્સામાં સાર્થક થયું.
આ મહિલા આપધાત કરવા કેનાલે પહોંચી હતી, જોકે બનાવ અંગે 112 નંબર પર પોલીસને જાણ થતા જ ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને મહિલાનો જીવ બચાવ્યો હતો. બાદમાં પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, આ છેતરપિંડી પાછળ રાજસ્થાનના સિરોહી જિલ્લાના રેવદરના શખ્સોનો હાથ છે. જેથી ગુનાની ગંભીરતા જોઈ ડીસા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા અને છેક રાજસ્થાન સુધી પહોંચી હતી.
ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી તમામ 17.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે તમામ સોના ચાંદીના દાગીના આજે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ મહિલાને સન્માનપૂર્વક પરત કરવામાં આવ્યા હતા. ત્યારે લૂંટાઈ ગયેલા પોતાના દાગીના ફરી પરત મળતા આ મહિલાએ પોલીસ તંત્રનો આભાર માન્યો હતો.
હાલ આ કિસ્સો લાલચુ લોકો માટે એક લાલબત્તી સમાન છે. જે બોધપાઠ આપે છે કે, એક કા ડબલની લાલચે અંધશ્રદ્ધામાં આવીને કિંમતી વસ્તુઓ ગુમાવવા કરતા જાગૃત રહેવું જરૂરી છે. પરંતુ પોલીસની આ કામગીરીએ સાબિત કરી દીધું છે કે, ગુનેગાર ભલે ગમે તેટલો શાણો હોય, કાયદાના હાથ તેના સુધી પહોંચી જ જાય છે.
Banaskantha,Gujarat

