Final Up to date:
T20 વર્લ્ડ કપ 2026ની સેમિફાઈનલ મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બરાબરની ટક્કર જોવા મળશે. આ મેચ પહેલા બોલિંગ કોચ મોર્ને મોર્કલે કહ્યું કે હવે ટીમ ઇન્ડિયાએ આ મેચને જીતવા પર ધ્યાન આપવું પડશે અને એ જ મહત્વ ધરાવે છે.
IND vs ENG Semifinal: T20 વર્લ્ડ કપ 2026ની સેમિફાઈનલ મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બરાબરની ટક્કર જોવા મળશે. આ મેચ પહેલા બોલિંગ કોચ મોર્ને મોર્કલે કહ્યું કે હવે ટીમ ઇન્ડિયાએ આ મેચને જીતવા પર ધ્યાન આપવું પડશે અને એ જ મહત્વ ધરાવે છે. T20 વર્લ્ડ કપના ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું હતુ, પરંતુ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં તેના પ્રદર્શનમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. વેસ્ટઇન્ડીઝ સામે તેને કરો યા મરોની સ્થિતિનો સામનો કરવો પડ્યો, જો કે તેમાં સંજુનું બેટ ચાલતા જીત મળી ગઈ. પરંતુ હવે ઇંગ્લેન્ડ જેવી મજબૂત ટીમ સામે સેમિફાઈનલ રમવાની છે. મોર્ને મોર્કલ પણ જાણે છે કે, ઇંગ્લેન્ડ ખતરનાક ટીમ છે અને તેની સામે જીત મેળવવી સરળ નહીં હોય.
મોર્ને મોર્કેલે મુંબઈમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “ઇંગ્લેન્ડ એક સારી ટીમ છે, તેઓ સારું રમે છે. જો તમે અપેક્ષા રાખો છો કે અમે ઇંગ્લેન્ડને 120 કે 150 રનમાં ઓલઆઉટ કરી દઈશું તો એવી અપેક્ષા રાખવી યોગ્ય નથી. અમે સેમિફાઇનલમાં છીએ અને જીત મેળવીને જ અહીં પહોંચ્યા છીએ. અમને ખબર છે કે ભારતમાં જીત-હાર વચ્ચેનો તફાવત ખૂબ ઓછો હોય છે.” ભારતીય બોલિંગ કોચે કહ્યું, “એ વાત મહત્વની નથી કે તમે સેમિફાઇનલ સુધી કેવી રીતે પહોંચ્યા છો. મહત્વનું એ છે કે આગામી બે મેચમાં તમે કેવું પ્રદર્શન કરવાના છો.”જીતની
મોર્કેલે કહ્યું, “અમે પરફેક્ટ મેચ વિશે વાત નથી કરી રહ્યા. અમારી ટીમ પ્રતિભાશાળી છે અને જરૂર પડે તો કોઈ પણ ખેલાડી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપી શકે છે. અમને આશા છે કે છેલ્લી બે મેચમાં પણ અમે સારું પ્રદર્શન કરવામાં સફળ રહીશું. આપણે બધા જાણીએ છીએ કે રમત કેવી રીતે ચાલે છે અને તેમાં સફળતાની કોઈ ગેરંટી હોતી નથી. પરંતુ અમને મેદાન પર ઉતરીને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની તક મળે છે અને અમારો એ જ ધ્યેય છે. ઇંગ્લેન્ડ સામે અમારા માટે ખૂબ મોટી તક છે. મને આશા છે કે અમારા ખેલાડીઓ પોતાની રણનીતિ પર અમલ કરીને સારું પરિણામ મેળવશે.”
સાઉથ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર મોર્ને મોર્કેલે કહ્યું કે ગયા વર્ષે ઇંગ્લેન્ડ સામે મળેલી જીત હવે કોઈ મહત્વ ધરાવતી નથી અને હાલની આ ટીમ ખૂબ જ ખતરનાક છે. મોર્કેલે કહ્યું, “ઇંગ્લેન્ડની ટીમ ખૂબ ચતુર છે, તેમની ટીમમાં ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ છે અને તેમની બેટિંગમાં ઊંડાણ છે જેનાથી તે ખૂબ જ ખતરનાક ટીમ બની જાય છે.” મોર્કેલે આગળ કહ્યું, “બોલિંગમાં તેમની પાસે ઘણા વિકલ્પો છે. મને લાગે છે કે જે રીતે તેઓ T20 મેચ રમે છે, જે રીતે તેઓ નિર્ભયપણે મેચને પોતાની તરફ વાળવાનો પ્રયાસ કરે છે, તેનાથી તેમને તકો મળે છે અને આ જ વાત તેમને ખતરનાક ટીમ બનાવે છે. મને લાગે છે કે ગુરુવારે બે આક્રમક ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો થશે.”

