Final Up to date:
અમદાવાદના વાસણા વિસ્તારમાં હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે બાતમીને આધારે રેડ કરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ પીજીમાં રહીને શહેરના યુવાનોને નશાના રવાડે ચઢાવતા હતા.
અમદાવાદ: શહેરના વાસણા વિસ્તારમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહી કોલેજના યુવકોને નશાના રવાડે ચડાવવાની મોડસ ઓપરેન્ડીનો સ્ટેટ મોનીટરીંગ સેલે પર્દાફાશ કર્યો છે. SMC એ વાસણા વિસ્તારમાં આવેલા જય ફ્લેટમાં ચોક્કસ માહિતીના આધારે રેડ કરી જ્યાંથી આરોપી દર્શીલ ભરતભાઈ વાછાણી અને હરીકૃષ્ણ કિશોરભાઈ રૈયાણીની ધરપકડ કરવામાં આવી છે. SMCની ટીમને હકીકત મળી હતી કે બે યુવકો વાસણા ખાતે આવેલી જી.બી. શાહ કોલેજ પાસે હાઈબ્રીડ ગાંજાનો જથ્થો મેળવી પ્રતાપકુંજ સોસાયટીના નાકે છુટકમાં વેચાણ કરે છે.
માહિતી આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરી બન્ને ઇસમોને ઝડપી પાડ્યા હતા. બાદમાં તપાસ કરતા આરોપીઓ પાસેથી 1 કિલો 186 ગ્રામ હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો, પકડાયેલા આ હાઈબ્રીડ ગાંજાના જથ્થાની કિંમત રૂ. 41,50,000/- થતી હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
ઉપરાંત અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 42,38,810/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મહત્વની વાત તો એ છે કે પકડાયેલા આરોપીઓની પોલીસ પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે તેઓ વાસણા ખાતે જય ફ્લેટમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા હતા અને જય ફ્લેટના નાકે તેમજ તેની નજીક આવેલી જી.બી. શાહ કોમર્સ કોલેજમાં ગાંજાનું છુટક વેચાણ કરતા હતા.
માનવામાં આવી રહ્યું છે કે આરોપી દર્શીલ ભરતભાઈ વાછાણી અને સાગરિત હરીકૃષ્ણ કિશોરભાઈ રૈયાણી છેલ્લા 6 મહિનાથી આમ ગેરકાયદેસર ધંધો કરતા હતા. બીજી તરફ ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર કુલ ત્રણ વોન્ટેડ આરોપીઓના નામ પણ બહાર આવ્યા છે, જેમની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
આ સમગ્ર મામલે હાલ ગાંધીનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસ સ્ટેશન ખાતે ધી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ–1985ની કલમ 8(સી), 20(બી)2(બી) તથા 29 હેઠળ તા. 23/01/2026ના રોજ ગુનો દાખલ કરી ગુનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે આગામી સમયમાં નશાના નેટવર્ક પકડવા સુધી SMCની ટીમ કાર્યવાહી કરશે.
Ahmedabad,Gujarat

