Final Up to date:
18 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને નેધરલેન્ડ વચ્ચે મેચ રમાવાની છે. જેને લઈને ટીમ ઈન્ડિયા આજે અમદાવાદ આવી અને એરપોર્ટ પર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
અમદાવાદ: પાકિસ્તાન સામે ટી20 વર્લ્ડકપ વિજય મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા હાલ અમદાવાદમાં પહોંચી છે. આગામી 18 ફેબ્રુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુકાબલો થવાનો છે. ટી20 વર્લ્ડ કપમાં ભારત અને નેધરલેન્ડ વચ્ચેની આ મેચને મહત્વની માનવામાં આવી રહી છે. અમદાવાદમાં ટીમ ઈન્ડિયા પહોંચી ત્યારે તેનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર ઉતર્યા બાદ ક્રિકેટ ટીમ વસ્ત્રાપુર ખાતે આઈટીસી નર્મદા હોટલમાં રોકાવા માટે પહોંચી હતી.
ટીમ ઈન્ડિયાનું પર્ફોમન્સ ટી20 વર્લ્ડકપમાં અત્યાર સુધી શાનદાર રહ્યું છે. ભારતની ટીમે અત્યાર સુધીમાં ત્રણેય મેચ જીતી છે. આ ત્રણેય મેચ યુએસ, નામીબિયા અને પાકિસ્તાન સામે રમવામાં આવી હતી. 15 ફેબ્રુઆરીએ જે મેચ હતી તેમાં પાકિસ્તાનને હરાવીને ટીમ ઈન્ડિયાએ ગ્રુપ Aના સુપર 8માં જગ્યા બનાવી લીધી છે.
18 તારીખે નેધરલેન્ડ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. જોકે આ મેચનું પરિણામ ગ્રુપ Aના સુપર 8ની મેચો પર કોઈ અસર નહીં કરી શકે. નેધરલેન્ડ સામેની આ મેચમાં ટીમ ઈન્ડિયાને ટક્કર મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કારણકે આ ટીમે પાકિસ્તાનની ટીમને પણ સારી એવી ટક્કર આપી પણ છેલ્લી ઓવરમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે નેધરલેન્ડ સામેની મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. આ મેચ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાવાની છે. ક્રિકેટ રસિકોમાં આ મેચને લઈને ઘણો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. મેચ દરમિયાન આખું સ્ટેડિયમ દર્શકોથી ખચોખચ ભરાયેલું રહેશે તેવી શક્યતા સેવાઈ રહી છે.
Ahmedabad,Gujarat

