Himachal Pradesh hike entry toll tax : હિમાચલ પ્રદેશ આવતા પ્રવાસીઓએ હવે વધુ પૈસા ખર્ચવા પડશે. હિમાચલ પ્રદેશમાં સુખવિંદર સુખ્ખું સરકારે અન્ય રાજ્યોમાંથી આવતા વાહનો માટે એન્ટ્રી ટોલ રેટમાં ભારે વધારો કરવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે પ્રવેશ ફી 30 રૂપિયાથી વધારીને 230 રૂપિયા કરી દીધી છે. નાણાકીય વર્ષ 2026-27 માટે નવી બેરિયર પોલિસી હેઠળ નવા દરો 1 એપ્રિલથી અમલમાં આવશે.
નવા નોટિફિકેશન અનુસાર પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હી જેવા પડોશી રાજ્યોથી હિમાચલ આવતા પ્રાઇવેટ વાહનોને હવે 70 રૂપિયાને બદલે 170 રૂપિયાનો એન્ટ્રી ટોલ ટેક્સ ચૂકવવો પડશે. 12+1 મુસાફરો ધરાવતા વાહનો જે પહેલા 110 રૂપિયા ચૂકવતા હતા, હવે 170 રૂપિયા વસૂલવામાં આવશે. આ વધારાની અસર માત્ર પ્રવાસીઓ પર જ નહીં પરંતુ પરિવહન અને માલ ભાડા ચાર્જ ઉપર પણ પડે તેવી સંભાવના છે.
ફાસ્ટેગ ફરજિયાત રહેશે
નવી ટોલ-બેરિયર પોલિસી હેઠળ, બેરિયર્સ પર એન્ટ્રી ફી વસૂલવામાં આવશે અને ફાસ્ટેગ ફરજિયાત રહેશે. હવે બેરિયરોની હરાજી ઓનલાઇન કરવામાં આવશે. જિલ્લા કક્ષાએ ડેપ્યુટી કમિશનરની આગેવાની હેઠળની સમિતિઓ કાર્યરત રહેશે અને દેખરેખ રાખશે.
સરકારે 55 ટોલ બેરિયર્સની હરાજીથી 185 કરોડ રૂપિયાની આવકનો લક્ષ્યાંક રાખ્યો છે. વર્ષ 2026-27 માટે અનામત કિંમત 2025-26 કરતા 20 કરોડ રુપિયા વધુ રાખવામાં આવી છે.
ઓપરેટરોએ તેમના બજેટમાંથી સીસીટીવી કેમેરા લગાવવા પડશે. સાત બેરિયરોને ફાસ્ટેગ સાથે કનેક્ટ કરવામાં આવ્યા છે. આ પહેલા માર્ચ 2025માં સરકારે ખાનગી વાહનોની એન્ટ્રી ફીમાં 10 રૂપિયાનો વધારો કર્યો હતો.
આ પણ વાંચો – OpenAI ના સીઈઓ સેમ ઓલ્ટમેને કહ્યું – નોકરીઓ પર AI ની અસરની આગાહી કરવી મુશ્કેલ છે
નવો ચાર્જ હવે આ પ્રમાણે રહેશે
- 6-12 સીટરવાળા પેસેન્જર વાહન: 130 રૂપિયા
- 12થી વધુ સીટવાળા વાહનો: 200 રૂપિયા
- હેવી માલસામાન વાહનો: 900 રૂપિયા (અગાઉ 720 રૂપિયા)
- કન્સ્ટ્રક્શન મશીનરી લઈ જતા વાહનો: 800 રૂપિયા (અગાઉ 570 રૂપિયા)
- કોમર્શિયલ વ્હીકલ: 600 રૂપિયા (અગાઉ 320 રૂપિયા)
- 32 સીટર મિનિ બસઃ 320 રૂપિયા (અગાઉ 180 રૂપિયા)
- ડબલ-એક્સલ બસ /ટ્રક: 570 રુપિયા
- ટ્રેક્ટરઃ 100 રૂપિયા
- રિક્ષાઃ 30 રૂપિયા
હિમાચલ પ્રદેશમાં નોંધાયેલા માલવાહક વાહનોને પણ કોઈ છૂટ આપવામાં આવી નથી. તેમના ઉપર પણ પ્રવેશ ફી લાગુ થશે. નાણાકીય વર્ષ 2026-27 માટે ત્રિમાસિક અને વાર્ષિક પાસ નવા દરોના આધારે બહાર પાડવામાં આવશે. રાજ્યના કર અને આબકારી વિભાગે તમામ 55 ટોલ બેરિયરો માટે સુધારેલી ફી માળખાને અંતિમ સ્વરૂપ આપ્યું છે.
